સમુદ્રમાં એક બે દિવસ નહીં પરંતુ 40 થી 45 દિવસ અને 12 હજાર કિલોમીટર સુધી લગભગ 350 મીટરની ઉંડાઇમાં જઇને ડૂબકી મારનારી સબમરિન નેવીના ફ્લીટમાં સામેલ થવા માટે તૈયાર છે. ભારતની આ સબમરિન અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી દુશ્મન દેશની સરખામણીમાં ભારતની તાકાત ઘણી વધી ગઇ છે.
28 સપ્ટેમ્બરે નેવીમાં સામેલ થશે
કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન દલબીર સિંહે ગુરુવારે જણાવ્યું કે 28 સપ્ટેમ્બરના રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફની ઉપસ્થિતિમાં INS ખંડેરી નેવીના ફ્લીટમાં સામેલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કલવરી સ્કોર્પિન શ્રેણીની પહેલી સબમરિન હતી તેથી INS ખંડેરીની નિર્માણ પ્રક્રિયા થોડી અલગ હતી પરંતુ બન્ને સબમરિનના પ્રદર્શનમાં કોઇ ફરક નથી. નેવી છેલ્લા બે વર્ષોથી INS કલવરીનો ઉપયોગ કરી રહી છે. તેથી તેના અનુભવના આધારે આ સબમરિનને વધુ સારી અને અત્યાધુનિક બનાવવામાં આવી છે.
2009થી બની રહી છે સબમરિન
ઉલ્લેખનીય છે કે ખંડેરી સબમરિનનું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં 7 એપ્રિલ 2009ના શરુ થયું હતું. 12 જાન્યુઆરી 2017ના તેને લોન્ચ કરવામાં આવ્યું અને નામકરણ થયું. 1 જૂન 2017ના તેનું સમુદ્રમાં પરિક્ષણ શરુ થયું હતું. ત્યારથી સપ્ટેમ્બર 2019 સુધી આકરા સમુદ્રી પરિક્ષણ અને દરેક પ્રકારના હથિયારોની ટેસ્ટિંગ થયા બાદ 19 સપ્ટેમ્બરના ખંડેરી સબમરિનને નેવીને સોંપવામાં આવી હતી.
INS ખંડેરીમાં 750 કિલો વજનની 360 બેટરી
INS ખંડેરીમાં તૈનાત ઇલેક્ટ્રિક ઓફિસર કમાન્ડર સુજીત કુમાર યાદવે જણાવ્યું કે આ સબમરિનમાં કુલ 360 બેટરી છે. તેમાંથી પ્રત્યેક બેટરીનું વજન 750 કિલો છે. તેમણે જણાવ્યું કે તેમાં લાગેલી પરમાનેન્ટ્લી મેગ્નેટાઇઝ્ડ પ્રોપલસન મોટર તેની અમુક વિશેષતાઓમાંથી એક છે. તેના કારણે આ સબમરિન સમુદ્રમાં એકદમ શાંત રહે છે જેથી દુશ્મનને ખબર નહીં પડે કે સમુદ્રી વિસ્તારમાં કોઇ સબમરિન છે. તે સિવાય 1250 કિલોવોટના બે ડિઝલ એન્જિન પણ છે. તેમાં 6 ટોરપિડો ટ્યૂબથઈ મિસાઇલ પણ છોડી શકાય છે. તેની અંદર કુલ 12 ટોરપિડો રાખવાની વ્યવસ્થા છે.
‘દેશની તાકાતમાં વધારો થશે’
કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન દલબીર સિંહે કહ્યું, ”ભારતની તાકાત ક્યારેય ઓછી ન હતી. તેમાં વધારો થઇ રહ્યો છે. આ નવા પ્લેટફોર્મથી દેશની કેપેબિલીટી વધી રહી છે. અમે દુનિયા પાસે ઉપલબ્ધ નવી નવી ટેક્નોલોજી પોતાની સાથે રાખી રહ્યા છીએ કારણ કે ટેક્નોલોજી જૂની થવાથી પ્રદર્શનમાં કમી આવે છે. INS ખંડેરીના આગમનથી નેવીમાં નવી ટેક્નોલોજી પણ આવી રહી છે. ”
તેમણે કહ્યું કે હું ખુબ ગર્વ અનુભવુ છું કે આ સબમરિન આપણા દેશમાં બની છે અને મેં મારી આંખોથી તેનું નિર્માણ જોયું છે. મને આપણા દેશની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે અને આપણે વિશ્વની આધુનિકથી આધુનિક સબમરિન બનાવી શકીએ છીએ. ગર્વ કરવાનું બીજુ કારણ એ છે કે ખંડેરી સબમરિન લેટેસ્ટ ટેક્નોલોજીથી પરિપૂર્ણ છે.
INS ખંડેરીની ખાસિયત
તેની લંબાઇ લગભગ 67.5 મીટર અને પહોળાઇ 12.3 મીટર છે.
સમુદ્રમાં 350 મીટરની ઉંડાઇ સુધી ડાઇવ મારવાની ક્ષમતા
આ સબમરિન 12 હજાર કિમીની દૂરી સમુદ્રમાં ખેડી શકે છે. પ્રોજેક્ટ-75 અંતર્ગત દેશમાં બનેલી સ્કોર્પીન શ્રેણીની INS ખંડેરી બીજી સબમરિન છે.
સ્કોર્પીન શ્રેણીની પહેલી સબમરિન INS કલવરી છે.
INS ખંડેરી સમુદ્રની અંદર 20 સમુદ્રી માઇલ અને પાણી ઉપર 11 સમુદ્રી માઇલની સ્પીડમાં ચાલવામાં સક્ષમ છે.

