ગુરુવારે જમ્મુના એક ભીડ વાળા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રેનેડ હુમલો થયો હતો, આ હુમલો આતંકીઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો, તેમ છતા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આતંકીઓએ ભીડને નિશાન બનાવીને આયોજન પૂર્વક ગ્રેનેડ ફેક્યો હતો. જેમાં એક સગીરનું મોત નિપજ્યું છે જ્યારે ૩૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા ૧૭ વર્ષીય યુવકનું નામ મોહમ્મદ શરીક છે અને તે ઉત્તરાખંડના હર્દીવારનો રહેવાસી છે. જે પણ ૩૩ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાં આ યુવકનો પણ સમાવેશ થાય છે. તેની સ્થિતિ ગંભીર હતી, જોકે અંતે સારવાર દરમિયાન જ તેણે દમ તોડયો હતો. જોકે હજુ ઘાયલોમાં ચારની સ્થિતિ અતી ગંભીર છે જેને પગલે મૃત્યુઆંક વધી શકે છે. જે ૩૨ લોકો ઘવાયા છે તેમાં ૧૧ કાશ્મીરી રહેવાસીઓ છે, જ્યારે અન્યોમાં બે બિહારના, હરીયાણાના એક અને છત્તીસગઢના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ એમ.કે. સિંહાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવુ લાગી રહ્યું છે કે આ હુમલા પાછળ આતંકીઓનો હાથ હોઇ શકે છે. વિસ્ફોટના સ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના રહેણાંકી વિસ્તારોમાં તપાસ અભિયાન જારી છે.
