જીટીયુમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે રજિસ્ટ્રાર મુદ્દેના વિવાદમા હવે કુલપતિ અને શિક્ષણ વિભાગ સામસામે આવી ગયા હોઈ વિવાદ વધુ વકર્યો છે. સરકારે ગઈકાલે જેઓને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવ્યા હતા અને જેમના નામનો ઓર્ડર કર્યો હતો તેમનો કુલપતિએ અસ્વીકાર કરીને આજે સવારે તાબડતોબ પોતાના અધિકારીને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવી દીધા હતા. મહત્વનું છે કે અત્યાર સુધી શાંત અને નબળા મનાતા જીટીયુના કુલપતિએ સરકાર સામે પડીને પોતાના અધિકારી નીમી દઈ પોતાનો એક નવો મીજાજ દેખાડયો છે. જીટીયુમાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે સરકારે ડિસેમ્બર ૨૦૧૭માં વિશ્વકર્મા સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના પ્રોફેસર શૈલેષ પંચાલની નિમણૂંક કરી હતી. છેલ્લા એક વર્ષથી કુલપતિ પણ શૈલેષ પંચાલના વખાણ કરતા થાકતા ન હતા અને તેમના વહિવટ તેમજ કામગીરીથી ખુશ હતા ત્યારે અચાનક શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે શૈલેષ પંચાલ પાસેથી રજિસ્ટ્રારનો ચાર્જ લઈ લેવાયો હતો અને તેમની જગ્યાએ એલ.ડી ઈજનેરી કોલેજના પ્રોફેસર મીહિર શાહને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવવાનો ઓર્ડર કરી દેવાયો હતો. આ અંગે જીટીયુના કુલપતિને ખબર જ ન હતી અને કુલપતિએ ગઈકાલે સરકારના ઓર્ડર સામે જણાવ્યુ હતું કે તેઓને અંધારામા રાખીને આ ઓર્ડર કરી દેવાયો છે. શૈલેષ પંચાલે તેમને ક્યારેય રજિસ્ટ્રાર તરીકે ન રહેવાની વાત કરી નથી અને સરકારને પણ રજૂઆત કરી નથી. કુલપતિ કહે છે કે મારી સરકાર સાથે આ અંગે કોઈ પણ ચર્ચા કર્યા વગર જ મારી જાણ બહાર નવા ઈન્ચાર્જ કુલપતિ નીમી દીધા છે. રજિસ્ટ્રાર મુદ્દે સરકાર સામે પડેલા કુલપતિ વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવામા આવી શક્તિ કેમ દેખાડતા નથી તેવો પ્રશ્ન હવે જીટીયુ-ટેકનિકલ શિક્ષણમાં ચર્ચાઈ રહ્યો છે.

