કેન્દ્ર સરકારના 370 નાબૂદ કરવાના પગલાં સામે જમ્મુ-કાશ્મીરના લોકો વિરોધનો સૂર પ્રગટ કર્યો છે. રાજ્યના લોકનું માનવું છે કે, રાજ્યમાં 370 કલમ નાબૂદ થવાથી મુસ્લિમ બહુમતીની ઓળખ હવે બદલાઈ શકે છે. 370 નાબૂદ થવાથી અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે. શ્રીનગરના 50 વર્ષીય ફારુક અહેમદે કહ્યું કે, અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમને નિરાશા થઈ છે. કારણ કે અમારી ભાવના આ ‘કલમ’ સાથે જોડાયેલી હતી. એનો અર્થ એ છે કે રાજ્ય મુસ્લિમ-બહુમતીની ઓળખ ગુમાવી દેશે. અન્ય એક કાશ્મીરી અર્શીદ વારસીએ પૂછ્યું કે, ‘કયાં સુધી અમને નજરબંધ રાખશો ? કલમ 370 રદ કરવાનો અર્થ એ નથી કે અમે અમારો વિરોધ વ્યક્ત કરી નહીઁ શકીએ.’ શ્રીનગરના એક સ્કૂલ શિક્ષકે નામ નહીં કહેવાની શરતે કહ્યું કે, ‘વર્તમાન સંકટ માટે રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ જ જવાબદાર છે. આજે અમે અનુભવી રહ્યાં છીએ કે અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે અને આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારે એક નિર્ણય લીધો છે, જે શાંતિ સ્થાપવાના બદલે લોકોમાં વધારે આક્રોશ પેદા કરશે.’
કાશ્મીરના બિઝનેસમેન અહમદ ભટે એમ કહ્યું કે, ‘આ નિર્ણયથી લોકોના જીવનને અસર પહોંચશે. અમને ખબર નથી કે કરફ્યુ જેવા પ્રતિબંધ બાદ સ્થિતિ કેવી રહેશે. અમને લાગે છે કે અમે સૌથી ખરાબ સમય તરફ આગળ વધી રહ્યાં છીએ.’
જમ્મુમાં રહેતાં અશરફખાને કહ્યું કે, ‘મારા બે સંતાન રાજ્યની બહાર અભ્યાસ કરે છે અને એમનો કોઈ સંપર્ક થઈ શક્યો નતી. મને ખબર છે કે અહીંયાની સ્થિતિ ચિંતાજનક છે.’

