રાજધાનીના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 44 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન દિલ્હી પોલીસે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી છે. ભારતીય દંડ સહિતાની કલમ 304 હેઠળ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે 5.22 કલાકે મળી. બાદમાં ફાયર વિભાગની 30 ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં 59 લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહરના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે 13 જૂન 1997ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં 59 લોકોના મૃત્યુ થયા હતા.
દિલ્હી પોલીસે ફેક્ટરી માલિકની વિરુદ્ધ અજાણતા હત્યાનો કેસ નોંધ્યો છે. આ મામલામાં દોષિત ઠરનારને 10 વર્ષની જેલ થઈ શકે છે. ફેક્ટરી માલિક હાલ ફરાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટન કારણે લાગી. ઘાયલોને એલએનજેપી અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મટિરિયલ હોવાના કારણે ધુમાડો વધુ હતો, આ કારણે લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.
વિજળી કંપનીએ શું કહ્યું
આગ બિલ્ડિંગની ઈન્ટરનલ સિસ્ટમમાં લાગી, કારણ કે મીટર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બિલ્ડિંગની સામેથી પસાર થતા વાયર અને થાંભલા પણ સુરક્ષિત છે. આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે લાગી, જ્યારે વિજળીના મીટર ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા છે. જો આગ મીટરથી લાગી હોત તો ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હોત, બીજા કે ત્રીજા માળે નહિ.
રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીમાં સ્કૂલ બેગ અને રમકડાઓ બનાવવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે ફેક્ટરીમાં બેગ્સ, બોટલ અને અન્ય સામાન મૂકવામાં આવ્યો હતો. આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. દરભંગા બિહારના રહેનાર મોહમ્મદ લાડલે એ જણાવ્યું કે તેમના 2 સાથીઓ વિશે કોઈ માહિતી નથી. ફાયર વિભાગના ચીફ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગની માહિતી સવારે 5.22 કલાકે મળી હતી. બાદમાં ફાયરની 30 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
ઉપહાર સિનેમામાં ચાલુ ફિલ્મે આગ લાગી હતી
દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક સ્થિત ઉપહાર સિનેમામાં લાગેલી આગમાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 13 જૂન 1997ના રોજ જે સમયે આ દુર્ઘટના થઈ, થિયેટરમાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી. આ દિવસે સવારે 6.55 વાગે થિએટર પરિસરમાં લાગેલા ટ્રાન્સફોર્મરોને વિજળી બોર્ડે રીપેર કર્યા હતા. એમ માનવામાં આવે છે કે રીપેરિંગ યોગ્ય ન થવાને કારણે સાંજે 4.55 કલાકે આ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આ આગ સમગ્ર સિનેમા હોલમાં ફેલાઈ ગઈ હતી.
અકસ્માત માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થશેઃ મંત્રી
- વડાપ્રધાન મોદીનું ટ્વિટ- આ ઘટના ભયાનક છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું– તમામ સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક જરૂરી પગલા ભરવામાં આવે.
- રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું– દિલ્હીના અનાજ માર્કેટમાં, ભીષણ આગથી ઘણાં લોકોના મોત અને ઘણાં લોકોને ઈજા થઈ છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું– બચાવ કાર્ય ચાલુ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- મંત્રી ઈમરાન હુસેને કહ્યું– આ ઘટના દુ:ખદ છે. તેની તપાસ કરવામાં આવશે. આ માટે જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.

