પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાત મુખ્ય સમાચાર

બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

યુપી પર અપર એર સાયક્લોનિક સર્જાતા સિસ્ટમ એમપી તરફ આગળ વધી
નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે.

30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.

2 અને 3 ઓગસ્ટે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા
31 જૂલાઈ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આગામી 5 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.