અમેરિકામાં બે દશકા પછી ફરીથી મૃત્યુદંડનો કાયદો અમલી બનશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકામાં છેલ્લાં 20 વર્ષથી કોઈને ય મૃત્યુદંડની સજાનો અમલ કરવામાં આવ્યો નથી, પરંતુ હવે બે દશકા પછી સરકારે પાંચ આરોપીઓને મૃત્યુદંડ આપવાની તૈયારી શરૂ કરી છે. તેનો ભારે વિરોધ પણ ઉઠયો છે. વિપક્ષના ડેમોક્રેટિક સાંસદોએ મૃત્યુદંડનો કાયદો ફરીથી લાગુ ન થાય તેવી માગણી કરી હતી.

અમેરિકાના કાયદા વિભાગે ખુંખાર પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. ન્યાય મંત્રાલયે પાંચ હત્યારાઓને ફાંસીની સજાની માગણી કરી હતી, તેમાં સરકારનું સમર્થન મળી જતાં હવે અમેરિકામાં લગભગ 20 વર્ષ પછી મૃત્યુદંડની સજાનો અમલ થશે.

એટર્ની જનરલ વિલિયમે કહ્યું હતું કે ન્યાય મંત્રાલયે ખુંખાર ગૂનેગારોને મૃત્યુદંડ આપવાની રજૂઆત કરી હતી, તે સ્વીકારી લેવામાં આવી છે. આ આરોપીઓ સામે નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે યોગ્ય તપાસ થયા પછી તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. હવે તેનો અમલ થશે.

પાંચ આરોપીઓ : ડેનિયલ લી, લેજમંડ મિચેલ, વેસ્લી પૂર્ક, અલ્ફ્રેડ બુર્જુઆ અને ડસ્ટિન હોન્કેનનો સમાવેશ થાય છે. આ પાંચેયને ક્રમશ: 9મી ડિસેમ્બર, 2019, 11મી ડિસેમ્બર 2019, 13મી ડિસેમ્બર, 2019, 13મી જાન્યુઆરી 2020 અને 15મી જાન્યઆરી 2020માં ફાંસી આપવાની તારીખ નક્કી થઈ છે.

અમેરિકામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ હતી, પરંતુ છેલ્લાં 20 વર્ષથી મૃત્યુદંડ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. અમેરિકામાં ગમે એટલો ખુંખાર ગુનેગાર હોય છતાં તેને 20 વર્ષમાં મૃત્યુદંડનો અમલ કરવામાં આવ્યો નથી.

ટ્રમ્પ સરકારે આ પાંચેય આરોપીઓને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી તે પછી વિપક્ષી સાંસદો સહિત અસંખ્ય લોકોએ દેશમાં ફરીથી મૃત્યુદંડની સજાનો અમલ ન કરવાની માગણી કરી હતી. ભારતીય મૂળના સેનેટર કમલા હેરિસે સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. એ જ રીતે અમેરિકાના માનવ અધિકાર પંચોએ પણ સરકારના આ પગલાંને વખોડી કાઢ્યું હતું.

2020ની પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવાર બર્ની સેન્ડર્સે કહ્યું હતું કે દેશમાંથી મૃત્યુદંડના કાયદાને જ નાબુદ કરવાની જરૂર છે. એ માનવ અધિકાર વિરૂદ્ધનું પગલું છે. તેમણે દાવો કર્યો હતો કે 2020માં તેમનો વિજય થશે તો આ કાયદો નાબુદ કરશે.