અયોધ્યા મામલે સુનાવણી પૂરી થતાની સાથે જ આ કેસમાં નવો વળાંક આવતો જોઇ શકાય છે. સૂત્રો મુજબ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભાના હસ્તાક્ષર છે. માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ વાતે સહમત છે કે જો વિવાદીત જમીનને સરકાર હસ્તકે લે તો કોઇ જ વાંધો નથી.
અયોધ્યા મામલે રચિત મધ્યસ્થતા પેનલે બુધવારે બીજી રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી. સૂત્રો મુજબ મુસ્લિમ પક્ષે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિવાદીત જમીન પર મંદિર બનાવવા માટે મંજૂરી મળી શકે છે. આ દરમિયાન પાંચ સભ્યાનો બંધારણીય બેન્ચે બેઠક કરશે. જેમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.
સૂત્રોની માનીએ તો મુસ્લિમ પક્ષે પ્રસ્તાવ મૂક્યો છે કે, જો સરકાર મસ્જિદ માટે બીજુ સ્થળ આપે તો તેઓ આ મામલેથી ખસી જશે. સુન્ની બોર્ડ આ મામલે મુસ્લિમ પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, પરંતુ છ અન્ય પક્ષકાર પણ છે. જેથી આ મામલે તેમનો નિર્ણય પણ મહત્વ ધરાવે છે.
જો કે આ મામલે સુન્ની બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુખીએ જણાવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડે મધ્યસ્થતા પેનલ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે, પરંતુ તેનો ખુલાસો કરી શકાય એમ નથી. અમે સુપ્રીમ કોર્ટમાં કોઇ સોંગદનામુ રજૂ કર્યું નથી.

