પ્રયાગરાજ ખાતે કુંભનગરીમાં ચોથી ફેબ્રુઆરી, સોમવારે મૌની અમાવસ્યા નિમિત્તે લાખો શ્રદ્ધાળુએ કુંભમેળાનું બીજું પવિત્રસ્નાન કર્યું હતું. કુંભમેળાનું આ બીજું ‘શાહીસ્નાન’ હતું. કુંભમેળામાં મૌની અમાવસ્યા સોમવારે જ આવી હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે રાતના ત્રણ વાગ્યાથી જ પવિત્રસ્નાન માટે લાખો લોકો ભેગા થયા હતા. કુંભનગરીમાં વાહનો પર પ્રતિબંધ હોવાથી શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડ્યું હતું. ‘હર હર ગંગે’ અને ‘ગંગામૈયા કી જય’ જેવા નારા પોકારતા શ્રદ્ધાળુઓએ ઠંડા પાણીમાં ડૂબકી લગાવી હતી. અનેક નાગા સાધુ સરઘસ કાઢીને નાચતા, ગાતા સંગમ ખાતે આવ્યા હતા. ‘મૌની’નો અર્થ ‘ચુપકીદી’ થતો હોવાથી અનેક લોકોએ દિવસ દરમિયાન મૌનવ્રત પણ ધારણ કર્યું હતું. કુંભમેળામાં ભાગ લઇ રહેલા 13 (સાત શૈવ, ત્રણ વૈષ્ણવ, બે ઉદાસીન અને એક શીખ) અખાડાના સાધુઓ સૌપ્રથમ પવિત્રસ્નાન કરે છે અને તે પછી અન્ય શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે છે. મૌની અમાવસ્યા નિમિત્તે ત્રણ કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્રસ્નાન કર્યું હોવાનો અંદાજ છે. અગાઉ, પ્રથમ પવિત્રસ્નાન મકર સંક્રાંતિ નિમિત્તે કરાયું હતું.
