પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખ વતી આ સન્માન સ્વીકાર્યુ છે. ભૂપેન હઝારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મુખર્જી આ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પાંચમા રાષ્ટ્રપતિ છે. તેમના પહેલાં આ સન્માન ડૉ. એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસૈન અને વીવી ગીરીને મળી ચૂક્યું છે.
20 વર્ષ બાદ બેથી વધુ હસ્તીઓને આ સન્માન આપવામાં આવ્યું છે. આ પહેલા 1999માં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણને, સિતારવાદક પંડિત રવિશકંર, અર્થશાસ્ત્રી ડો. અમર્ત્ય સેન અને સ્વતંત્રતા સેનાની રહી ચુકેલા ગોપીનાથ બોરદોલોઈને આ સન્માન માટે પસંદ કરાયા હતા.
ભારતરત્ન ચાર વર્ષ બાદ અપાયો
ચાર વર્ષ બાદ ભારત રત્ન આપવામાં આવ્યો છે. આ પહેલા 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ અને સ્વતંત્રતા સેનાની અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહમ માલવીયને આ સન્માન મળ્યું હતું. આ પહેલા 45 હસ્તીઓને ભારતરત્ન મળી ચુક્યો છે. હવે આ સંખ્યા 48 થઈ ગઈ છે.
પ્રણવ નાણા, રક્ષા અને વિદેશમંત્રી પણ રહી ચુક્યા છે
પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્વિમ બંગાળના મિરાતીમાં થયો હતો. 1969માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ 1982માં તેમણી કેબિનેટમાં નાણામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, 1989માં આ પાર્ટી કોંગ્રેસમાં જ સામેલ થઈ ગઈ હતી. ત્યારબાદ પીવી નરસિમ્હારાવની સરકારમાં તેમણે 1991માં યોજના આયોગના પ્રમુખ અને 1995માં વિદેશમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
2004માં યુપીએ સરકારમાં પ્રણવ મુખર્જી પહેલી વખત લોકસભામાં ચૂંટણી જીત્યા હતા. 2004થી 2006 સુધી તેમણે રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 2006-09 સુધી વિદેશ મંત્રાલય અને 2009-12 સુધી તેમણે નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2012માં કોંગ્રેસે તેમણે રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે પીએ સંગમાને હરાવ્યા હતા. પ્રણવ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા અંદાજે 5 દાયકા સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા.
તિલકથી પ્રેરિત થઈને સમાજસેવામાં જોડાયા નાનાજી
નાનાજી દેશમુખે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિચારક, સમાજસેવક અને ભારતીય જનસંઘના નેતા હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના કડોલી નામના નાના ગામમાં 11 ઓક્ટોબર 1916ના રોજ થયો હતો. નાનાજી બાળ ગંગાધર તિલકની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને સમાજસેવામાં જોડાયા હતા. ત્યારબાદ સંઘના સંચાલક ડો. કેવી હેડગોવારના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ સંઘમાં કામ કરતા કરતા સમગ્ર જીવન રાષ્ટ્રસેવાને ન્યોછાવર કરી દીધું હતું.
ભૂપેન હઝારીકાએ 10 વર્ષની ઉંમરમાં પહેલું ગીત લખ્યું હતું
ભૂપેન હઝારીકા ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1926માં આસામના સાદિયા જિલ્લામાં થયો હતો. તેમણે બનારસની હિન્દુ યુનિવર્સિટી ખાતેથી પોલેટિક્સ સાયન્સમાં બીએ કર્યું હતું. 1949માં તેઓ સ્કોલરશીપ પર કોલબિંયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. અહીં તેમની મુલાકાત પ્રિયંવદા પટેલ સાથે થઈ હતી. 1950માં તેમણે પ્રિયંવદા સાથે લગ્ન કર્યા હતા.
1936માં તેમણે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. 1939માં તેમણે ઈન્દ્રમલાટી ફિલ્મ માટે બે ગીત રેકોર્ડ કર્યા હતા. માત્ર 13 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું પહેલું ગીત ‘અગ્નિજુગોર ફિરિંગોતિ’લખ્યું હતું. હિન્દી ફિલ્મ રુદાલી અને દમના તેમના ગીત ઘણા લોકપ્રિય છે. 1977માં તેમણે પદ્મશ્રી, 2001માં પદ્મવિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરાયા હતા.

