આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે, સપાટી 131 મીટર રૂલ લેવલ નજીક પહોંચી

ગુજરાત મુખ્ય સમાચાર

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને નર્મદા ડેમની જળરાશીની આવકમાં 64,662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક માત્ર 5230 ક્યુસેક પાણી છે જેથી દર કલાકે 2 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેથી આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને નદીકાંઠા વિસ્તારમાં ન જવા તંત્ર દ્નારા અપીલ કરાઇ છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા બંધની જળ સપાટી દોઢ મીટર વધી છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે 131 મીટર સુધી ભરવાનું નક્કી કર્યું છે. નર્મદા બંધની સપાટી 131 મીટર ઉપર જશે એટલે રિવરબેડ પાવર હાઉસ શરૂ કરવામાં આવશે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને તંત્ર જેની તૈયારીઓમાં લાગી ગયા છે.

ગુજરાતની જનતાને આગામી દિવસોમાં પાણીની તકલીફ નહિ પડે
સરદાર સરોવર નર્મદા બંધ પ્રથમ વરસાદે જ ભરાઈ ગયો છે જેની મહત્તમ સપાટી 138.68 મીટરની છે ત્યારે હાલ જળ સપાટી 129.65 મીટરે પહોંચી છે. એટલે હાલ મહત્તમ સપાટી 11 મીટર જેટલી દૂર છે. જોકે હાલ 131 મીટર સુધી નર્મદા બંધ ભરવાની વાત કરી એક રૂલેવલ નક્કી કર્યું છે. ત્યારે હાલ નર્મદા બંધ 50 ટકા જેટલો ભરાઈ ગયો છે. જેથી ગુજરાતની જનતાને આગામી દિવસોમાં પાણીની તકલીફ નહિ પડે એ વાત ચોક્કસ છે.