ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે.
નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીને લઈને ગુજરાતીઓને એક મહિનાની રાહત મળી છે. 15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે. પીયુસી માટે રાજ્યમાં 900 નવા સેન્ટર ખોલવામાં આવશે. હાલ કોઈ વ્યક્તિ ટ્રાફિક્સ નિયમ તોડશે તો તેને જૂના નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે. મંત્રી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે અત્યાર સુધી નવા નિયમ પ્રમાણે જે પણ દંડ વસુલ્યો છે તે પરત કરવામાં આવશે નહીં.