ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે તેવું જાણકારોનું માનવું છે. એક સદી પહેલા સ્પેનિશ ફ્લૂની મહામારીએ ત્રીજા ભાગની વિશ્વની જનસંખ્યાને ભરડામાં લીધી હતી જેમાં 5 કરોડ લોકોના મોત થયા હતા. રિપોર્ટ પ્રમાણે આજના સમયમાં જ્યારે લોકો મોટા પ્રમાણમાં પ્રવાસ કરી રહ્યાં છે ત્યારે આ મહામારી ફેલાય તો તેના અત્યંત ગંભીર પરિણામ જોવા મળી શકે છે.
ધ ગ્લોબલ પ્રિપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડ(GPMB), જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ભૂતપૂર્વ અધ્યક્ષ હેઠળ કામ કરતી એક ટીમ છે તેણે એક રિપોર્ટ તૈયાર કરીને વિશ્વના નેતાઓને તેના પર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ રિપોર્ટ જાહેર કરતી વખતે ગ્રુપના સભ્યએ કહ્યું રોગચાળો વિશ્વકક્ષાએ ફેલાય તેનો ભય એક વાસ્તવિકતા છે. ઝડપથી ફેલાતા જીવાણુમાં એ શક્તિ છે કે તે કરોડો લોકોને મારી શકે, અર્થવ્યસ્થાને ધ્વસ્ત કરી નાખે અને રાષ્ટ્રીય સુરક્ષા તેનાથી અસ્થિર થઇ જાય.
આ રિપોર્ટનું નામ છે- અ વર્લ્ડ એટ રિસ્ક. તેમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં ઇબોલા જેવી બીમારીના ફેલાવાને અટકાવવા માટે પણ જે તૈયારીઓ છે તે અપૂરતી છે. GPMBની અધ્યક્ષતા ડો. ગ્રો હાર્લેમ બ્રન્ડટ્લેન્ડ(મહિલા છે) કરી રહ્યાં છે જેઓ નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન અને WHOના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ છે. તેમની સાથે અલહદ્ઝ અસ સાય છે જેઓ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસના સેક્રેટરી જનરલ છે. એવું માનવામાં આવે છે કે આ પહેલા પણ જ્યારે રિપોર્ટ રજૂ થયો હતો તો તેમાં જે ભલામણો કરવામાં આવી હતી તેના પર વિશ્વના નેતાઓએ આંખ આડા કાન કર્યા હતા.
GPMBએ લખ્યું- મોટા ભાગના સૂચનો ખૂબ કંગાળ રીતે લાગૂ કરવામાં આવ્યા જ્યારે ઘણાખરા તો થયા જ નહીં. લાંબા સમય સુધી આપણે રોગચાળાની અવગણના કરી છે . જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઇએ છીએ અને આગ ઓલવાઇ જાય ત્યારે તેના પર ધ્યાન આપતા નથી. તે આપણા માટે ભૂતકાળની એક ઘટના બનીને રહી જાય છે.
વિશ્વનો નકશો બનાવીને સમજાવ્યું કે શું થઇ શકે
આ રિપોર્ટમાં એક વિશ્વનો નકશો છે જેમાં સંભવિત ચેપ કે બીમારી વિશે જણાવવામાં આવ્યું છે, જે એક પૂર્વધારણા પ્રમાણે મોટી મહામારી તરીકે ફેલાઇ શકે છે. આ બીમારીઓને બે કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે જેમાં પહેલી કેટેગરી છે- નવી ઉભરતી અને બીજી છે -ફરી ઉભરતી કે ફેલાતી. નવી ઉભરતી બીમારીઓમાં ઇબોલા, ઝીકા, નિપાહ વાયરસ અને પાંચ પ્રકારના ફ્લૂનો સમાવેશ કરાયો છે. જ્યારે ફરી ઉભરતી બીમારીઓમાં વેસ્ટ નાઇલ વાયરસ, એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ, યેલો ફીવર, ડેન્ગી, પ્લેગ અને હ્યુમન મન્કીપોક્સ જેવી બીમારીઓ સામેલ છે.
આજે લોકો વિશ્વભ્રમણમાં હોય છે તો ખતરો વધારે છે
રિપોર્ટમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આજે લોકો પ્લેનમાં મોટી સંખ્યામાં પ્રવાસ કરી રહ્યાં છે. તેથી આ પ્રકારની હવાથી ફેલાતી બીમારી જો સંપર્કમાં આવે તો માત્ર 36 કલાકમાં 5 થી 8 કરોડ લોકોને મારી શકે છે. 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું કે આ સ્થિતિ અત્યારે બને તો પરિણામ ખૂબ ભયંકર આવી શકે છે. 5થી 8 કરોડ લોકોનું મોત એટલે કે વિશ્વની અર્થવ્યવસ્થાના પાંચ ટકા લોકો ખતમ થઇ જશે. વિશ્વમાં અસ્થિરતા ફેલાઇ શકે છે અને ગરીબ દેશોની સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણપણે ખતમ થઇ શકે છે.
રોકવા માટે શું થઇ શકે ?
વિશ્વકક્ષાએ આ પ્રકારની સમસ્યાને નિવારવા માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. તેમાં આ બીમારીઓથી લડવાની પૂર્વતૈયારીઓ માટે યોગ્ય નિયંત્રણમાં નાણાની ફાળવણી કરીને રૂટિનમાં તેની કામગીરી કરવા માટે જણાવાયું છે. તે સિવાય G7, G20 અને G77 દેશોને તેની લડતમાં યોગ્ય કાર્યવાહી કરી વિશ્વ સમક્ષ ઉદાહરણ દાખવી શકાય તેવુ સૂચન છે. મોટામાં મોટા ખતરા તરીકે તેને જોઇને તૈયારી કરવા જણાવાયું છે. તે સિવાય આ બીમારીઓ માટે તૈયારી કરવા માટે ખાનગી રોકાણ કરવાનું પણ સૂચન છે. યુનાઇટેડ નેશન્સને વિશ્વકક્ષાએ દેશો વચ્ચે યોગ્ય સંકલન સાધવા પણ જણાવ્યું છે.
1918ના ફ્લૂની મહામારીનો ઉત્પાત
આ ફ્લૂએ વિશ્વની એક તૃતિયાંશ આબાદી પર કહેર વર્તાવ્યો હતો અને અમુક મહિનામાંજ 5 કરોડ લોકો મરી ગયા હતા. આ સંખ્યા પ્રથમ વિશ્વયુદ્ધમાં મરેલા લોકોની સંખ્યા કરતાં ત્રણ ગણી છે. આ પહેલા ક્યારેય કોઇ બીમારીથી વિશ્વના ઈતિહાસમાં આટલી ઝડપથી આટલાં લોકો મર્યા નથી. મોટાભાગે ફ્લૂમાં વૃદ્ધ, કમજોર દર્દી અથવા નાની ઉંમરના લોકોનું મોત થાય છે પણ 1918ના ફ્લૂની ચપેટમાં સ્વસ્થ લોકો પણ આવી ગયાં હતા. લોકોમાં વધારે ભય ન ફેલાય તેથી શરુઆતની રિપોર્ટને જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકામાં દબાવી દેવામાં આવી હતી.
જોકે સ્પેનમાં આ મહામારી વિશે માહિતી આપવામાં સમાચારપત્રો પર કોઇ પાબંદી ન હતી તેથી ત્યાંની માહિતી વધારે પ્રસારિત થઇ અને આ મહામારીને સ્પેનિશ ફ્લૂ નામ પણ મળી ગયું. અભ્યાસુઓના મતે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે મોટી સંખ્યામાં સૈનિકોના મુવમેન્ટથી આ બીમારી વધારે ફેલાઇ હતી. આ સમયનો વૈશ્વિક મૃત્યુદર જાણમાં નથી પરંતુ એક અનુમાન પ્રમાણે આ બીમારીનો ભોગ બનેલા પૈકી 10 થી 20 ટકા લોકો મરી ગયા હતાં. તેથી આ આંકડો 5 થી 10 કરોડ વચ્ચેનો રહે છે.

