‘હું પણ ચોકીદાર’ વીડિયો શેર કરવા મુદ્દે ભાજપને ચૂંટણી પંચની નોટિસ

મુખ્ય સમાચાર રાજકીય

દેશમાં જોર-શોરથી શરુ થયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હું પણ ચોકીદાર’ અભિયાનને લઈને ચૂંટણી પંચે ભાજપને નોટિસ ફટકારી છે. આ નોટિસ ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો વગર મંજૂરીએ સોશ્યલ મીડિયામાં શેર કરવા મામલે ફટકારી છે. ‘હું પણ ચોકીદાર’ અભિયાનનો વીડિયો ભાજપના ચૂંટણી સમિતિના સભ્ય નીરજ કુમારે શેર કર્યો છે. હવે ચૂંટણી પંચે નીરજ કુમારને કારણદર્શક નોટિસ આપી છે. નીરજ કુમારને આ મામલામાં જવાબ આપવા ચૂંટણી પંચે ત્રણ દિવસનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, 16 માર્ચે આ મામલામાં એમની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીએ એમને નોટિસ આપી છે. નોટિસમાં જણાવ્યું છે કે, ‘હું પણ ચોકીદાર’ અભિયાનમાં ઉપયોગ કરાયેલા વીડિયોમાં સૈન્યના જવાન છે. જોકે, ચૂંટણી પંચે માર્ચ મહિનાની શરુઆતમાં તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે એ ચૂંટણી પ્રચાર દરમિયાન સૈન્યના જવાનો કે એમની તસવીરનો ઉપયોગ કરે નહીં.