ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મૂકવા કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે CBIને એવો નિર્દેષ આપ્યો હતો કે, અધિકારીઓ સામે કાર્યવાહી કરતા પહેલાં સીબીઆઇએ રાજ્ય સરકારની કોઇ મંજૂરી મેળવી હતી કે નહીં તેનો અહેવાલ CBI એક મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરે. ત્યારબાદ CBIએ તાજેતરમાં જ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સીઆરપીસીની કલમ 197 મુજબ બન્ને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાની રજૂઆત કરાઈ હતી. બીજી તરફ આ મામલે આજે સુનાવણી હોવાથી વણઝારા અને અમીને કેસમાંથી મુક્ત કરવા(પ્રોસિડિંગ ડ્રોપ)ની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, CBIએ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર કરેલી કાર્યવાહી કાયદાથી વિપરીત છે. આ મામલે ઈશરતની માતા શમીમાએ વાંધાઅરજી કરી છે. કોર્ટે સીબીઆઇને નોટિસ ઇશ્યૂ કરી વધુ સુનાવણી 3 એપ્રિલ પર મુલતવી રાખી છે.

