ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. કાશ્મીરના અનંતનાગમાં માં ત્રીજા ચરણની ચૂંટણી 6 મેએ ચૂંટણી યોજાવાની છે, જેના અગાઉ આ હત્યા થઈ છે. જે 2019ની સામાન્ય ચૂંટણીની પ્રથમ રાજકીય હત્યા માનવામાં આવે છે. ભાજપે હત્યાની ટીકા કરીને સીબીઆઈ તપાસની માગ કરી છે. પોલીસે એક નિવેદન આપીને કહ્યું છે કે મીર પર તેમના નૌગામમાં આવેલા ઘરમાં હુમલો થયો. ગંભીર રીતે ઘાયલ થયેલાં મીરને સારવાર માટે હોસ્ટિપટલ લઈ જવાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. ભાજપના રાજ્ય એકમના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, મીર લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ સરપંચ પણ રહી ચૂક્યા હતા અને બે વખત વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પણ જીતી શક્યા નહોતા. અનંતનાગ બેઠકના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ સોફી યૂસુફે સીબીઆઈ તપાસની માગ કરી છે. પુલવામા હુમલા બાદ અન્ય અનેક નેતાઓ સાથે મીરની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી તેમ રાજ્યનું ભાજપ એકમ જણાવે છે. aવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યકત કર્યો છે.
