શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ માટે પોતાના જોરે સરકાર બનાવવી મુશ્કેલ હોઇ શકે છે. તેમનું આ નિવેદન ભાજપ મહાસચિન રામ માધવના નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે પાર્ટીની બહુમતિથી દૂર રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
સંજય રાઉતે કહ્યું કે આગામી સરકાર એનડીએની જ હશે પરંતુ એમાં સહયોગીઓની મોટી ભૂમિકા હશે. તેમણે કહ્યું કે જો રામ માધવને એવું લાગતું હોય કે ભાજપ પોતાના જોરે બહુમતિ પ્રાપ્ત નહીં કરી શકે તો અમે અને અન્ય સહયોગીઓ તેની સાથે ઊભા રહીશું. પરંતુ એનડીએની સરકાર બનવી સુનિશ્ચિત છે.
અગાઉ રામ માધવે કહ્યું હતું કે ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે ભાજપે ગઠબંધન કરવું પડશે. જેના વિશે સંજય રાઉતે કહ્યું કે ભાજપ માટે 280 બેઠકો જીતવી મુશ્કેલ બનશે. ભાજપ સૌથી મોટી પાર્ટી તો હશે પરંતુ તેના માટે 280-282ના આંકડા સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે. એ સંજોગોમાં અમારો એનડીએ પરિવાર સાથે મળીને બહુમતિ મેળવશે.