પાકિસ્તાનના લાહોરમાં સૂફી દરગાહ પાસે બ્લાસ્ટમાં 8 લોકોનાં મૃત્યુ, 25 ઘાયલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના લાહોરમાં આવેલી સૂફી દરગાહ પાસે થયેલા બ્લાસ્ટમાં 8 લોકોનાં મૃત્યુ થયા હોવાના સમાચાર છે. લાહોરમાં આવેલી મોટી દરગાહ દાતા દરબાર નજીક આ બ્લાસ્ટ થયા હોવાનું જણાવાય છે.

આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મૃત્યુ થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં 5 પોલીસકર્મી અને 3 નાગરિકોનો સમાવેશ થાય છે. લાહોર પોલીસના ડીઆઈજી (ઓપરેશન) મોહમ્મદ અશફાકે કહ્યું કે આ બ્લાસ્ટમાં દરગાહની બહાર પોલીસના વાહનને નિશાન બનાવવામાં આવ્યું છે.

રેડિયો પાકિસ્તાનના કહેવા મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાની નિંદા કરી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસ આઈજી આરિફ નવાઝે કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં પોલીસને નિશાન બનાવવામાં આવી છે.

એમણે કહ્યું કે, હુમલાખોર જે દિશામાંથી આવ્યો ત્યાંથી વધારે નુકસાન પણ થઈ શકે એમ હતું. પોલીસની ગાડી જે અહીં તહેનાત હોય છે તેને જ ટાર્ગેટ કરવામાં આવી હતી. તમામ એજન્સીઓ તપાસમાં લાગેલી છે અને પુરાવાઓ એકઠાં કરવામાં આવી રહ્યાં છે.

પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હજી સુધી કોઈ ઉગ્રવાદી સંગઠને આની જવાબદારી લીધી નથી.