નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી.વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે.
DPSના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓ માર્ચ- 2020 માં પરીક્ષા આપી શકશે
CBSE દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે હાલ ડીપીએસ સ્કૂલમાં ભણી રહેલા ધોરણ 10 અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે તેમને સીબએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાશે. એટલે કે હાલ ડીપીએસમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સ્કૂલની માન્યતા રદ થવા છતાં આગામી માર્ચ 2020 માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે.
હાલ ધોરણ 9 અને ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડાશે
CBSE બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાં હાલ ભણી રહેલા ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે. આ પ્રક્રિયામાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ પણ મદદરૂપ થશે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલ માં ખસેડવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
નિયમ તોડી 4 વિદેશી વિદ્યાર્થીને LC વગર જ પ્રવેશ આપ્યો
સ્કૂલે શિક્ષણ વિભાગને સોંપેલા આશ્રમના 24 વિદ્યાર્થીઓના દસ્તાવેજોમાંથી 4 વિદ્યાર્થીઓ વિદેશના હતા. જેમાં વાણી ગોયલ કેલિફોર્નિયાની નાગરિક છે, અટા જાની આડમ યાલ્કા ઓસ્ટ્રેલિયન નાગરિક છે. જ્યારે તેના જન્મનું પ્રમાણપત્ર ઇરાકનું છે, આર્યા ચૌધરીએ ફોર્મમાં પોતાનું એડ્રેસ મુંબઇનું લખાવ્યું છે જ્યારે તેના જન્મનું પ્રમાણપત્ર સિંગાપોરનું છે, એવા રિચારિયા ભારતીય નાગરિક છે, પરંતુ તેના જન્મનું પ્રમાણપત્ર યુનાઇટેડ આરબ અમિરાતનું છે. પરંતુ નિયમ પ્રમાણે કોઇ વિદ્યાર્થીએ પોતાની આગળની સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલને આપ્યું નથી છતાં સ્કૂલે તેમને એડમિશન આપી દીધું હતું.
ખોટા NOC બદલ પોલીસ ફરિયાદ દાખલ થઇ
હાથીજણ નજીકની ડીપીએસ- ઈસ્ટનું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું એનઓસી સીબીએસઈ સમક્ષ રજૂ થયું હતું જ્યારે બીજી બાજુ શિક્ષણ વિભાગના રેકોર્ડ પ્રમાણે એનઓસી ડીપીએસને આપવામાં આવ્યું જ ન હોવાથી સ્કૂલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
જમીનની માલિકી અંગે ખોટી માહિતી આપી
જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડીપીએસ-ઈસ્ટ સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી હતી. આ બનાવટી એનઓસી રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં 11-9-2009ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી તેમજ 21-1-2012ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજૂલા એસ. (મંજૂલા શ્રોફે) સહી કરી છેતરપિંડી કરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી 2012માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.

