મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી નહીં શકે. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા તેમને એક જવાબદાર નેતા અને સારા મિત્ર ગણાવ્યા. આ પહેલા કોંગ્રેસના નાના પટોલેને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉદ્ધવ તેમને સ્પીકરની ચેર સુધી લઇ ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે નાના પટોલે ખેડૂત પરિવારથી આવે છે. આશા છે કે તેઓ દરેક સાથે ન્યાય કરશે.
ભાજપે શનિવારે કિશન કઠોરેને સ્પીકર પદ માટે નામાંકિત કર્યા હતા. પરંતુ આજે સર્વદળીય બેઠક બાદ તે ઉમેદવારી પાર્ટીએ પાછી લઇ લીધી હતી. ફડણવીસે કહ્યું કે અમે સર્વદળીય બેઠકમાં બીજી પાર્ટીઓની અપીલ પર કઠોરેનું નામ પાછું લીધું કારણ કે મહારાષ્ટ્રમાં નિર્વિરોધ સ્પીકર પસંદ કરવાની પરંપરા રહી છે.
5 વર્ષમાં ક્યારેય સરકાર સાથે દગો નથી કર્યો- ઉદ્ધવ
મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, ”હું હિન્દુત્વની વિચારધારા સાથે છું અને તેને ક્યારેય નહીં છોડું. સૌથી ભાગ્યશાળી મુખ્યમંત્રી છું કારણ કે મારો વિરોધ કરનારા હવે સરકાર સાથે છે અને જે પહેલા સાથે હતા તેઓ હવે વિપક્ષમાં છે. ફડણવીસ પાસેથી મેં ઘણી સારી વાતો શીખી. હંમેશા તેમનો મિત્ર રહીશ. તેમને વિપક્ષના નેતા નહીં પરંતુ એક જવાબદાર નેતા કહીશ. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય સરકાર સાથે દગો નથી કર્યો. જો તેઓ(ફડણવીસ) તેમના વાયદા પર કાયમ રહ્યા હોત તો અમારી વચ્ચે ક્યારેય વિવાદ થાત નહીં. મેં અહીં આવવા વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ જનતાના આશીર્વાદથી આ અવસર મળ્યો છે. ”
પટોલે વિદર્ભની સકોલી સીટથી ચાર વખતના ધારાસભ્ય
નાના પટોલે(56) વિદર્ભની સકોલી સીટ પરથી ચાર વખતના ધારાસભ્ય છે. 2014માં તેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા અને લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જોકે ડિસેમ્બર 2017માં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે તકરારના કારણે તેમણે ભાજપ છોડીને પાછો કોંગ્રેસનો સાથ લઇ લીધો હતો.

