બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય તો ગુજરાત સરકાર રદ થશે

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઇ હતી જેમાં અમદાવાદ સાત લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉમેદવારોએ પસંદગી મંડળના અધ્યક્ષને કરી હતી. એટલું જ નહીં તેના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પણ આપ્યા છે ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારો ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સરકારી નોકરીમાં રસ દાખવતા ઉમેદવારોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. આજે સવારથી જ રાજ્યભરમાંથી હજારો ઉમેદવાર આવી પહોંચ્યા હતા જેને કંટ્રોલમાં કરવા માટે એક તબક્કે પોલીસે વિદ્યાર્થીઓને દોડાવ્યા હતા અને લાઠીચાર્જ પણ કયો હતો. એટલું નહીં કેટલા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પુરી દેવાયા હતા ત્યારબાદ સાંજે તેમને છોડી દેવાયા હતા.

સાંજ સુધી કોઈ નિવેડો નહીં આવતાં ઉમેદવારોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. મહાત્મા મંદિર સામે હજારો ઉમેદવારો રોડ પર બેસી ગયા છે તેમજ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઉમેદવારો કહે છે કે આ પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી. આયોગના ચેરમેન અસિત વોરાને તમામ પુરાવાઓ પણ અપાયા છે આમ છતાં તેઓ તપાસનું નાટક કરે છે.

આજે રાત્રે 8:30 વાગ્યે પણ આ વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યો છે એટલું જ નહીં ચીમકી આપી છે કે જો આ પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો સરકાર રદ થઇ જશે અને પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી.

ઉમેદવાર યુવતીઓ પણ ખૂબ જ રોષે ભરાયેલી છે એવું કહે છે કે અમે સવારથી ભૂખ્યા-તરસ્યા અહીં આવ્યા છીએ પરંતુ સરકાર તમારો ભાવ પૂછતું નથી અમારા માતા-પિતા અમારી ચિંતા કરી રહ્યા છે પરંતુ સરકારને અમારી કશી પડી નથી આવું કહીને આવા તમામ વિદ્યાર્થીઓએ ગાંધીનગરના રોડ પર અડ્ડો જમાવી દીધો છે.

આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી છે. પાંચ જિલ્લામાંથી આવી ફરિયાદો આવી છે. 305 બ્લોકના સીસીટીવી ફૂટેજની તપાસની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે અને બે દિવસમાં સરકાર આરોપીઓના વિરોધમાં કાર્યવાહી કરશે પરંતુ આ પરીક્ષા રદ કરવામાં નહિ આવે.

દરમિયાનમાં ગાંધીનગરમાં ઉમેદવારો ખસવાનું નામ નહીં લેતા ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ બંગલે સિનિયર મંત્રીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે જેમાં કેટલાક વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ હાજર છે.

આ બેઠકમાં પરીક્ષા રદ કરી કે નહીં તેનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે સૂત્રો જણાવે છે કે સરકાર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરી શકે છે.