સુરક્ષાદળોએ 10 વર્ષ જૂના આતંકવાદીના ઠેકાણાની માહિતી મેળવી, AK-47 સહિત હથિયારો અને વિસ્ફોટક મળ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને ગોતીને નષ્ટ કર્યું હતું. ઉત્તરી કાશ્મીરમાં સોપોરના રાફિયાબાદ વિસ્તારમાં બનેલા આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓ છૂપવા માટે કરતા હતા. સુરક્ષાદળોએ અહીંથી 2 AK-47 અને તેની 2000 રાઉન્ડ ગોળી, 3 આરપીજી રાઉન્ડ, બે વાયરલેસ સેટ અને એક સેટેલાઇટ ફોન કબ્જે કર્યો હતો.

પોલીસ અધિકારીઓ પ્રમાણે 5 આતંકવાદીઓ ડાલરીના ગીચ જંગલોમાં છૂપાયા હોવાની સૂચના પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોને તેમના અડ્ડાની માહિતી મળી. જોકે તેઓ ત્યાં પહોંચે તે પહેલા આતંકવાદીઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઠેકાણું લગભગ 10 વર્ષ પહેલાનું હોઇ શકે છે. અહીં આતંકવાદીઓ હથિયાર અને વિસ્ફોટકો છૂપાવીને રાખતા હતા. શનિવારે સવારે શરૂ થયેલું આ ઓપરેશન બપોરે હથિયારોને કબ્જે લીધા બાદ ખતમ થયું હતું.

આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા
રાષ્ટ્રીય રાઇફલ્સ સેક્ટર 7ના કમાન્ડરે ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યા બાદ જપ્ત કરવામાં આવેલી સામગ્રીને તપાસ માટે મોકલવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે આ જથ્થો જોતા સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે આસપાસના વિસ્તારમાં આતંકી મૂવમેન્ટની સંભાવના જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. 32 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની 92 બટાલિયનની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી.