અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ચેરિટી ફંડના દુરૂપયોગ મામલે 20 લાખ અમેરિકી ડોલર એટલે આશરે 15 કરોડ રૂપિયાનો દંડ ચુકવવો પડયો છે. ન્યૂયોર્ક રાજ્યના ન્યાયાધીશે ગત મહીને ટ્રંપને ચુકવણી માટેનો આદેશ આપ્યો હતો અને બને તેટલી ઝડપથી ચુકવણી કરવા ફટકાર પણ લગાવી હતી.
ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ટ્રંપને પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશનના ફંડનો દુરૂપયોગ કરવા મામલે 20 લાખ ડોલર(આશરે 15 કરોડ રૂપિયા)નો દંડ ચુકવવો પડયો છે. ટ્રંપે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ઉપયોગ પોતાના રાજકીય અને વેપાર સાથે સંકળાયેલા હિત સાધવા કર્યો હોવાનો આરોપ કોર્ટમાં સાબિત થઈ ચુક્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન ટ્રંપે પોતાના પર લગાવાયેલા આરોપોનો સ્વીકાર કર્યો હતો. જાણવા મળ્યા મુજબ ન્યાયાધીશ સૈલિયન સ્ક્રાપુલાએ સુનાવણી દરમિયાન ટ્રંપ ફાઉન્ડેશનને બંધ કરી તેમાં બાકી બચેલા ફંડને(આશરે 17 લાખ ડોલર) અન્ય બિનનફાકારી સંગઠનોમાં વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ટ્રંપ વિરૂદ્ધનો આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમના પર ચેરિટી ફંડના પૈસાનો ઉપયોગ 2016ની ચૂંટણીના પ્રચાર માટે વાપરવાનો આરોપ લાગ્યો હતો. એટર્ની જનરલ જેમ્સે રાષ્ટ્રપતિ ટ્રંપ પાસેથી વળતર પેટે 28 લાખ ડોલરની માંગ કરી હતી પરંતુ ન્યાયાધીશે તે રકમ ઘટાડીને 20 લાખ ડોલર કરી હતી. હાલમાં ટ્રંપનું ફાઉન્ડેશન બંધ થઈ ગયું છે પરંતુ તેના પરિણામ તેમના માટે ખરાબ સાબિત થઈ શકે છે. આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ કેસ ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે છે.
જાણવા મળ્યા મુજબ ફંડનો ઉપયોગ કરવા માટે ટ્રંપે આર્મી ઈમરજન્સી રીલિફ, ચિલ્ડ્રન એડ સોસાયટી, યુનાઈટેડ નેગ્રો કોલેજ ફંડ સહિત આઠ જેટલા ચેરિટી ફંડની રચના કરી હતી. વિભિન્ન ચેરિટી મેનેજમેન્ટ અધિકારીઓએ ટ્રંપે પોતાના સાથે છેતરપિંડી કરી હોવાનો અને પોતાના પૈસાનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અગાઉ આ કેસ રાજનીતિથી પ્રેરિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

