દેશમાં અફઘાની ડુંગળીની આવક વધવાના લીધે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના બજારોમાં ડુંગળીની કિંમતોમાં જોવા મળી રહેલી તેજી પર બ્રેક લાગી છે. દિલ્હીમાં ગત સપ્તાહની સરખામણીએ ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 15 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
દિલ્હીના આઝાદપુર માર્કેટમાં બુધવારે સવારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ 30થી 70 રૂપિયા પ્રતિ કિલો હતો. આ ઉપરાંત આયાતી ડુંગળીનો જથ્થાબંધ ભાવ મંગળવારની સરખામણીએ પ્રતિ કિલોએ પાંચ રૂપિયા જેવો નરમ હતો. આઝાદપુર એપીએમસીના ભાવોની યાદી પ્રમાણે મંગળવારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ 30થી 70 રૂપિયા પ્રતિ કિલો જ હતો જ્યારે આવક 1,082.2 ટન જેવી હતી જેમાં 161.4 ટન આવક વિદેશી ડુંગળીની હતી.
વેપારીઓના જણાવ્યા મુજબ અફઘાનીસ્તાન ઉપરાંત તુર્કી અને મિસર(ઈજિપ્ત)થી ડુંગળી આયાત થઈ રહી હોવાના લીધે તેની કિંમતો ઘટી છે. વધુમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના નવા પાકની આવક તેજ થઈ ગઈ છે કારણ કે, ભાવવધારાનો લાભ લેવા ખેડૂતો સમય પહેલા જ પોતાના ખેતરમાંથી ડુંગળીનો પાક કાઢવા લાગ્યા છે.
ડુંગળીની આવક વધવાના કારણે તેના જથ્થાબંધ અને છુટક ભાવોમાં ઘટાડો થયો છે પરંતુ દેશના મોટા ભાગના બજારોમાં ડુંગળી હજુ પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી ઉંચા ભાવે વેચાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દેશમાં ડુંગળીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો.
કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવો પર લગામ કસવા એક લાખ ટનથી પણ વધારે ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો હતો અને એમએમટીસી નામની સાર્વજનિક ક્ષેત્રની કંપનીએ અત્યાર સુધીમાં 36,000 ટન ડુંગળી આયાત કરવા ઓફર પણ આપી દીધી છે.

