પશ્ચિમ બંગાળમાં સભ્ય બનાવવાના બદલામાં ભાજપ નેતાઓ ‘કમિશન’ લેતા હોવાનો આરોપ

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતાઓ પછી હવે ભાજપ પણ ‘કમિશન’ના આરોપોનો સામનો કરી રહ્યો છે. ભાજપે હાલમાં સમગ્ર દેશમાં પક્ષમાં કાર્યકરોને જોડવા માટે અભિયાન હાથ ધર્યું છે.આવા સમયે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નેતાઓ સભ્યપદના ફોર્મ માટે કથિતરૂપે 500થી 1200 રૂપિયાનું કમિશન લઈ રહ્યા હોવાની ફરિયાદો ભાજપના નેતાઓને મળી છે. ભાજપના રાજ્ય મહાસચિવ (સંગઠન) સુબ્રત ચટ્ટોપાધ્યાયે પણ આરોપોની ફરિયાદ મળી હોવાની વાત કબૂલી છે.

તેમણે કહ્યું કે પક્ષ આ આરોપોની તપાસ કરી રહ્યો છે. એવા આરોપ છે કે પૂર્વીય બર્ધમાનના ખાંડગોશ વિધાનસભા ક્ષેત્રમાં મંડળ અધ્યક્ષ 500થી 1200 રૂપિયામાં સભ્યપદનું ફોર્મ વેચી રહ્યા છે. ખાંડગોશમાં સ્થાનિક ભાજપ નેતાઓએ રાજ્ય નેતૃત્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપે પશ્ચિમ બંગાળમાં 6 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી સભ્યપદ અભિયાન ચલાવ્યું છે.

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ ‘કમિશન’ના આરોપોના સંદર્ભમાં પક્ષના કાર્યકરોની ઝાટકણી કાઢી હતી. અને લોકોને તેમના રૂપિયા પાછા આપવા આદેશ કર્યો હતો. ત્યાર પછી પૂર્વી વર્ધમાન જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના છ સ્થાનિક નેતાઓએ સોમવારે કથિત ‘કમિશન’ તરીકે ઉઘરાવેલા 1.5 લાખ રૂપિયા લોકોને પાછા આપી દીધા હતા.