ગુજરાતમાં હજુ બે દિવસ સુધી ફૂંકાશે ઠંડા પવન

ગુજરાત મુખ્ય સમાચાર

વાદળછાયા વાતાવરણ બાદ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યાં અચાનક હવામાનમાં આવેલા પલટાને લઈને લોકોને આ વખતે પ્રમાણમાં ઠંડીનો વધારે સામનો કરવો પડ્યો છે. બે દિવસથી ઠંડીનું જોર ઓછું થતાં થોડી રાહત અનુભવાઈ હતી. હવે ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપરએર સાઈક્લોનિક સકર્યૂલેશન સક્રિય થયું છે જેના કારણે ઠંડા પવનો-કોલ્ડવેવ આ તરફ ગતિ કરશે એટલે કે ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 4 અને લઘુતમ તાપમાન બે ડિગ્રીનો ઘટાડો થવાની તેમજ તા. 8 થી તા.10મી ફેબ્રુઆરી સુધીમાં ઠંડી વધવાની રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ અચાનક બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા હતા ત્યાં અચાનક ઉત્તર પાકિસ્તાનમાં સમુદ્ર લેવલથી 7.6 કિલોમીટર અને ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનનાં સ્ટ્રોંગ સંયોજનથી વાતાવરણમાં પલટો આવતા ગુરુવાર સવારથી જ પવનો ફૂંકાવા લાગ્યા હતા અને લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન ખાતાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 20થી 25 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. તોફાની પવનોની સાથે ઉપર જતા ઠંડા પવનો જમીન તરફ આવશે. જેથી ગુરુવારે મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ગગડયું હતું જેના કારણે અનેક જગ્યાએ ઠંડીનો પારો નીચે ગગડ્યો હતો. ઉત્તર પાકિસ્તાનમાં સમુદ્ર લેવલથી 7.6 કિલોમીટર અને ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનનાં સ્ટ્રોંગ સંયોજનથી તા.8મી ફેબ્રઆરીથી તા.10મી ફેબ્રઆરી સુધીમાં કાતિલ ઠંડીની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડશે.