અમેરિકા દ્વારા ઈરાન પર મૂકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં ક્રુડ ખરીદવા માટે અપાયેલી છૂટની અવધિ પૂરી થતાં ભારતે બીજી મેથી ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે અમેરિકાએ ભારતને એક નવું ટેન્શન આપ્યું છે. ટ્રેડ ફોરમમાં ભાગ લેવા આવેલા અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે સોમવારે કહ્યું હતું કે ઈરાનથી આયાત કરવામાં આવતા સસ્તા ક્રુડ તેલની ખરીદી પર છૂટ બંધ થયા બાદ ભારતને જે નુકસાન થશે એની ભરપાઈ કરવા માટે અમેરિકા કિફાયતી દરે ક્રુડ વેચવાની ખાતરી આપી શકે તેમ નથી.
તેલના કુવાઓ પર માલિકી ખાનગી હાથમાં હોવાથી સરકાર તેમને ઓછા દરે ક્રુડ વેચવા માટે દબાણ કરી શકે તેમ નથી.ઉલ્લેખનીય છે કે ઈરાનથી ક્રુડની ખરીદી કરવી ભારતીય રીફાઇનરીઓ માટે ફાયદાકારક હતું કારણ કે એમાં ચૂકવણી માટે 60 દિવસનો સમય મળતો હતો અને આવી સુવિધા અન્ય દેશો જેવા કે સાઉદી અરબ, કુવૈત, ઈરાક, નાઇજીરિયા કે અમેરિકા આપતાં નથી.

