ગઢડા (સ્વામીના) ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં 13 વર્ષથી એકહથ્થુ શાસન કરતાં એસ.પી. સ્વામી જુથે સતા ગુમાવી છે. જ્યારે વિરોધપક્ષ એવા દેવપક્ષનો ભવ્ય વિજય થયો છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના વહિવટ માટે થતી આ ચૂંટણીમાં 6 બેઠકો પર 70.39 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી સ્થાનિક રાજકારણ માટે અત્તિમહત્વની ચૂંટણી હતી. એસ.પી. સ્વામી જુથ અર્થાત્ આચાર્યપક્ષની હાર થઈ છે.
વર્તમાન શાસક આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી: આ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી માટે ત્યાગી વિભાગમાંથી બ્રહ્મચારીની બેઠક આચાર્યપક્ષે બિનહરીફ થતા સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની 4 મળી કુલ 6 બેઠક માટે વર્તમાન શાસક આચાર્ય પક્ષ અને વિરોધપક્ષે દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણી દરમિયાન 20 હજાર કરતા વધારે મતદારોની સંખ્યાને ધ્યાને રાખી શહેરમાં અલગ અલગ 6 સ્થાનો ઉપર મતદારોને વિભાજીત કરી મતદાન પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન રાજકીય ચૂંટણીને ટક્કર મારે તેવો માહોલ ઊભો થયો હતો.
સાધુ વિભાગના 152 મતદારો પૈકી 95 ટકા મતદાન: આ ચૂંટણીના અંતે સાધુ વિભાગના 152 મતદારો પૈકી 95 ટકા મતદાન, પાર્ષદ વિભાગમાં 63 મતદારો પૈકી 98 ટકા મતદાન અને ગૃહસ્થ વિભાગમાં 20,668 મતદારો પૈકી 65થી 70 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. બોગસ મતદાનની સંભાવનાને ધ્યાને લઇને મતદાતાના ઓળખપત્રની ચકાસણીની કાળજી લેવાય હતી.

