ભૂતપૂર્વ મીડિયા બૅરોન અને પુત્રીની હત્યાના કેસને મામલે જેની ધરપકડ કરવામાં આવી હતી તે ઇન્દ્રાણી મુખરજીએ કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ જેમાં આરોપી છે એ આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં તાજનો સાક્ષી બનવા દિલ્હી કૉર્ટમાં અરજી કરી છે. શીના બોરા હત્યાકેસમાં ભાયખલા જેલમાં રાખવામાં આવેલી મુખરજીએ વીડિયો કૉન્ફરન્સ મારપતે સીબીઆઇના વિશેેષ ન્યાયાધીશ સુનીલ રાણાને કહ્યું હતું કે એક આરોપી તરીકે કેસને મામલે કૉર્ટમાં મારું પ્રતિનિધિત્વ કરવા વકીલ ન રાખવા બદલ હું ક્ષમા ચાહું છું. વર્ષ 2007માં ભંડોળ મેળવવા આઈએનએક્સ મીડિયાને ફૉરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બૉર્ડ (એફઆઈપીબી) દ્વારા આપવામાં આવેલી મંજૂરી સંબંધિત રૂ. 305 કરોડની સંડોવણી ધરાવતા કેસમાં મુખરજી અને ચિદમ્બરમની સાથે સાથે પુત્ર કાર્તિક ચિદમ્બરમનું નામ પણ સપાટી પર આવ્યું હતું.

