ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના આતંકી સંગઠનોએ હાથ મિલાવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેને પગલે હાલ પાકિસ્તાની સૈન્ય સરહદે જે આતંકીઓને તાલીમ આપી રહ્યું હતું તેમાં ભયનો માહોલ છે અને હવે સરહદને બદલે પાકિસ્તાનીઓને તાલીમ આપવાનું સ્થળ બદલી નાખ્યું છે.

એવા અહેવાલો છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાના આતંકીઓને અફઘાનિસ્તાનમાં તાલીમ આપવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા આતંકી સંગઠનો પણ પોતાના આતંકીઓને તૈયાર કરવા માટે અફઘાનિસ્તાનની મદદ લઇ રહ્યા છે.

હાલ અફઘાનિસ્તાનમાં જે આતંકી સંગઠનો છે તેઓ પાકિસ્તાનના આતંકી સંગઠનોની સાથે મળી ગયા છે અને એકબીજાને તાલીમ આપવામાં પણ મદદ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક બન્ને આતંકી સંગઠનો સક્રિય છે.

આ સંગઠનો પાકિસ્તાનમાં પણ હુમલા કરી રહ્યા છે, અગાઉ એક સૈનિક સ્કૂલમાં આ આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક બાળકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ પણ હવે પાકિસ્તાની સૈન્ય અને પાક.ના આતંકી સંગઠનો અફઘાનિસ્તાનના આતંકી સંગઠનોની સાથે હાથ મિલાવી રહ્યા છે.

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં પણ અનેક આતંકીઓ માર્યા ગયા હોવાના દાવા થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે આતંકીઓ પોતાનો બેઝ બદલવા લાગ્યા છે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે હવે તાલિમ લેવા લાગ્યા છે.

જોકે આમ થવાથી ભારતની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે કેમ કે અત્યાર સુધી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બન્ને દેશોના આતંકી સંગઠનો અલગ અલગ રીતે હુમલા કરતા હતા પણ હવે તેઓ એક થઇ ગયા છે તેથી તેની તાકાત વધી ગઇ છે. પાકિસ્તાન સરકારની રહેમ નજરે આ બધુ થઇ રહ્યું છે.