આર્થિક સર્વેક્ષણ 2018-19નો મૂળ સંદેશ બજેટનું પણ મુખ્ય વાક્ય બની ગયું અને હવે મોદી 2.0ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક રણનીતિનું પણ.
જોકે આ કોઈ પહેલી વાર નથી, જ્યારે આર્થિક સર્વેક્ષણનું મુખ્ય વાક્ય સામાન્ય બજેટમાં મુખ્ય હોય. યાદ કરો ‘જૈમ’ને.
આર્થિક સર્વૅક્ષણ 2014-15માં દરેક આંખનું આંસુ લૂછવાના સમાધાનના રૂપમાં ‘જૈમ’ એટલે JAMની વાત કરાઈ હતી.
‘જે’નો અર્થ જનધન ખાતું અને ‘એ’નો અર્થ આધારકાર્ડ અને ‘એમ’નો અર્થ મોબાઇલ ફોન કનેક્શન.
2015-16ના સામાન્ય બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ‘જૈમ’ના આધારે સરકારી યોજનાઓનો ફાયદો સીધેસીધો લાભાર્થીઓને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આજે સરકાર દાવો કરી રહી છે કે કેન્દ્ર સરકારનાં 55 મંત્રાલય અને વિભાગોની 439 યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં સાડા સાત લાખ કરોડ રૂપિયા સીધેસીધા લાભાર્થીઓનાં ખાતાંમાં નાખવામાં આવ્યા છે અને તેનાથી લગભગ 1.41 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.
આ એક મહત્ત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે આર્થિક સર્વેક્ષણની સૂચન આર્થિક રણનીતિનો મુખ્ય હિસ્સો બને છે.
જ્યારે ‘જૈમ’ની અવધારણા પહેલી વાર સામે રાખવામાં આવી તો સૌથી પહેલાં એ આશંકા વ્યક્ત કરવામાં આવી કે શું એક જ ઝાટકે વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થાને સરળતાથી બદલી શકાશે?
જોકે સરકારી દાવાને માનીએ તો વ્યવસ્થા બદલાઈ છે.
હવે એ જાણવું જરૂરી છે કે બજેટમાં પાંચ ટ્રિલિયન ડૉલકના લક્ષ્યને હાંસિલ કરવા માટે શું કરવામાં આવ્યું છે.
પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ પર 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, વેપાર સુગમતાનો માહોલ તૈયાર કરવા માટે જિલ્લા સ્તરના પ્રયત્નો પર ભાર, વિદેશીરોકાણની સીમાને સરળ અને શરતોને હળવી કરવી, મૅક ઇન ઇન્ડિયા પર ભાર આપવા કાચા માલ પર સીમાશુલ્ક ઓછું કરવું અને તૈયાર સામાન પર આયાત સીમાશુલ્ક વધારવું અને વિદેશમાં ઉધાર જેવી કેટલીક મુખ્ય બાબતો છે.
છેલ્લી જોગવાઈ ઘણી રોચક છે અને તેનાં પરિણામો દૂરગામી મળી શકે છે. જો સરકાર પોતાની ઉધારીની જરૂરિયાતને પૂરી કરવા માટે આંતરરાષ્ટ્રીય બજાર પર ભાર મૂકે તો તેની બે અસર થઈ શકે છે.
પહેલી, સરકારી ગૅરંટીને કારણે સરકારને આંતરરાષ્ટ્રીય બજારમાં પૈસા સસ્તા મળશે.
તેમજ ઘરેલુ બજારમાં બૅન્કો પર સરકારી બૉન્ડમાં પૈસા લગાવવાનું દબાણ ઓછું થશે. તેનાથી વધુમાં વધુ પૈસા ઉદ્યોગોને કરજ તરીકે આપી શકે છે.
સાથે જ તેનાથી વ્યાજદરમાં ઘટાડો થશે, રોકાણનો પડતર-ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
એ પણ ભૂલવું ન જોઈએ કે આર્થિક સર્વેક્ષણથી લઈને બજેટ સુધી પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્યને હાંસિલ કરવા માટે રોકાણની ગતિ વધારવા જ નહીં, પણ ખર્ચ ઓછો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

