ઓસ્ટ્રેલિયા સામેના વિજય સાથે તાહીર-ડયુમિનીની વન ડેમાંથી વિદાય

ખેલ-જગત

વર્લ્ડ કપમાં સદંતર ફ્લોપ સાબિત થયેલી સાઉથ આફ્રિકાની ટીમે આખરી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને હરાવીને ગૌરવભેર ક્રિકેટના મહાકુંભમાંથી વિદાય લીધી હતી. માંચેસ્ટરમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની અણધારી જીતને પરીણામે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમની ટીમ તરીકે સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ, જેના કારણે હવે તેઓ તારીખ ૧૧મી જુલાઈએ ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલમાં ટકરાશે.

૪૦ વર્ષના પાકિસ્તાનમાં જન્મેલા સાઉથ આફ્રિકી લેગ સ્પિનર તાહીરે ૧૦૭ વનડેમાં ૧૭૩ વિકેટ ઝડપીને વન ડેને અલવિદા કહ્યું હતુ. ડયુમિનીની વન ડેની કારકિર્દી ૧૯૯ મેચ પર અટકી ગઈ હતી. તેણે ૮૪.૫૮ની સરેરાશથી ૫,૧૧૭ રન નોંધાવ્યા હતા. તેણે ૬૯ વિકેટ પણ ઝડપી હતી.

સાઉથ આફ્રિકા સામે ૩૨૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયા ૧૧૯/૪ના સ્કોર પર ફસડાયું હતુ, જોકે વોર્નરે ૧૨૨ રન તેમજ કૅરીએ ૮૫ રન સાથે જોરદાર લડત આપતાં પાંચમી વિકેટમાં ૧૦૮ રનની ભાગીદારી કરતાં ટીમની જીતની આશા જીવંત બનાવી હતી. રબાડાએ ૩ અને ફેહલુકવાયો-પ્રેટોરિઅસે ૨-૨ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયા વિજયથી ૧૧ રન દૂર રહ્યું હતુ અને ૧૦ રનથી હાર્યું હતુ.