એક તરફ દેશમાં બેકારી છે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે અને પ્રાઈવેટ સેક્ટરમાં કંપનીઓ દ્વારા ભરતી થઈ રહી નથી ત્યારે સરકારે સ્વીકાર્યુ છે કે, સરકારી નોકરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છે.
કેન્દ્ર સરકારમાં 38.02 લાખ જગ્યાઓમાંથી 18 ટકા એટલે કે 6.38 લાખ જગ્યાઓ ખાલી પડી છે. ભાજપના જ સાંસદ શારદાબેન પટેલે સરકારને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ વિગતો સપાટી પર આવી છે. જેના પર એક અંગ્રેજી અખબારે પ્રગટ કરેલા અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે 6.38 લાખ જગ્યાઓ ખાલી હોવાની કબૂલાત કરી છે.
અલગ અગ વિભાગોની વાત કરવામાં આવે તો સ્કૂલોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની 9.14 લાખ પોસ્ટોમાંથી 2.13 લાખ પોસ્ટો ખાલી છે. જ્યારે પોલીસ ખાતામાં 23 લાખ માંથી પાંચ લાખ જગ્યાઓ ખાલી પડી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ડોક્ટરોની કમી છે. ગ્રામીણ વિસ્તારના પ્રાથમિક સારવાર કેન્દ્રો પર 25743 જગ્યાઓ પૈકી 8572 જગ્યાઓ ખાલી પડેલી છે.

