ઉન્નાવ દુષ્કર્મ કેસમાં લોકોમાં ભભુક્યો રોષ, રાજધાની દિલ્હીને લાગી ઝાળ, યુવતીઓ બેભાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હૈદરાબાદથી લઈને ઉન્નાવ સુધી દિકરીઓ પર ગેંગરેપ અને સળગાવવાની દર્દનાક ઘટનાઓ વિરૂદ્ધ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. રાજધાની દિલ્હીને દુષ્કર્મ અને ત્યાર કરવામાં આવી રહેલી હત્યાઓના રોષની ઝાળ રાજધાની દિલ્હીને લાગી છે. દિલ્હીના રાજઘાટથી લઈ ઈન્ડિયા ગેટ સુધી લોકોએ કેંડલ માર્ચનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈ અને દિલ્હી મહિલા આયોગની ચેરમેન સ્વાતિ માલિવાલ સહિત અનેક સંગઠઓ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યાં છે.

પોલીસે વિરોધ કરી રહેલા લોકોને રોકવા માટે અનેક ઠેકાણે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. જોકે આ વિરોધ એટલો તો તિવ્ર હતો કે અનેક લોકો તો પોલીસ બેરેકેટ્સ તોડતા પણ નજરે પડ્યા હતાં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલીક યુવતીઓ બેભાન થઈ ગઈ હોવાના પણ અહેવાલ છે.

ઉન્નાવ રેપ પીડિતાને દુષ્કર્મીઓ દ્વારા સળગાવી દેવામાં આવતા 90 ટકા દાઝી ગયેલી યુવતી આજે સવારે મૃત્યુ પામી હતી. તો તે પહેલા જ તેલંગાણાના હૈદરાબાદમાં પણ ચાર આરોપીઓએ મહિલા ડોક્ટર પર પહેલા દુષ્કર્મ ગુજાર્યું  હતું અને ત્યાર બાદ તેને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેને લઈને લોકોમાં ભારોભાર રોષ છે અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર બરાબરની ફસાઈ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બસપા અધ્યક્ષા માયાવતી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાઓને લઈને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે આ મામલે લોકરોષ ભભુકી ઉઠ્યો છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને મહિલા આયોગ રસ્તા પર ઉતરીને સરકાર સામે વિરોધ પ્રદર્શંનો કરી રહ્યા છે.

રાજધાની દિલ્હીમાં રાજઘાટથી લઈને ઈન્ડિયા ગેટ સુધી હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થયા હતાં અને કેન્ડલ માર્ચ કાઢી હતી. આ દરમિયાન પોલીસ સાથે તેમની ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે ઠેર ઠેર વોટર કેનનનો મારો પણ ચલાવ્યો હતો. પરંતુ વિરોધ પ્રદર્શનકારીઓ અટક્યા નહોતા. કેટલાક તો પોલીસના બેરેકેટ્સ પર ચડીને નારેબાજી કરતા નજરે પડ્યા હતાં. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથેના સંઘર્ષમાં કેટલીક યુવતીઓ બેભાન પણ થઈ ગઈ હતી.