અલ્પેશ ઠાકોરના બંગલાના વાસ્તુપૂજનમાં પ્રદિપસિંહ જાડેજા, જીતુ વાઘાણીએ હાજરી આપી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાના પરિણામની હજુ રાહ જોવાઇ રહી છે ત્યારે કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અત્યારથી કેસરિયો ખેસ પહેરવા જાણે ધમપછાડા કર્યાં છે. રાણિપમાં અલ્પેશ ઠાકોરના બંગલાના વાસ્તુપૂજનમાં કોંગ્રેસના એકેય ધારાસભ્ય-કાર્યકર ડોકાયાં ન હતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખાસ હાજરી આપી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે.

બનાસકાંઠા , પાટણ , સાબરકાંઠામાં ભાજપને જીતાડવા અલ્પેશ ઠાકોરે ભાજપ સાથે રાજકીય સોદો કર્યો છે તેવુ ખુદ ઠાકોરસેનાના આગેવાનો જ કહી રહ્યાં છે. પરપ્રાંતિયનો મુદ્દો ચગ્યા બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાણે ભાજપની શરણાગતિ કરી લીધી છે . રાણિપમાં અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલાના વાસ્તુપૂજનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ખાસ આમંત્રણ પાઠવાયુ હતું . કેટલાંય ભાજપ સમર્થક બિલ્ડરો ય હાજરી આપી હતી.

નવાઇની વાત તો એછેકે, જેની સાથે સેલ્ફી લેવા લોકો પડાપડી કરતાં તે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જીતુ વાઘાણી સાથે સેલ્ફી લીધી હતી. આ તમામ તસવીરો સોશિયલ મિડીયામાં ય વાયરલ થઇ હતી. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ છિનવવા કવાયત હાથ ધરી છે ત્યારે ધારાસભ્યપદ બચાવવા હવે અલ્પેશ ઠાકોરે ભાજપનો સહારો લીધો છે તેવી ચર્ચાએ પણ જોર પકડયુ છે.

વાસ્તુપૂજન બાદ અલ્પેશ ઠાકોરની ભાજપના નેતાઓ સાથેના સબંધોની પોલ હવે ઉઘાડી પડી છે.