જાન્યુઆરી મહિનામાં નવવર્ષના આગમનની સાથે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું, એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે અને તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની શક્યતાઓને સમાપ્ત કરી દેશે. પ્રિયંકાને સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપવામાં આવી અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી હાથમાં લીધી એને ચાર મહિના થઈ ગયા છે, ત્યારે એ સવાલ ઊભો થાય છે કે તેઓ કેટલી હદે સફળ રહ્યાં છે?
આમ તો કોઈ રાજનેતાને આંકવા માટે ચાર મહિનાનો ગાળો ખૂબ જ ટૂંકો સમય કહેવાય, પરંતુ ચૂંટણી ચાલી રહી હોવાથી પ્રિયંકા ગાંધીના પ્રદર્શનનું આકલન કરવું જરૂરી પણ છે. તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશમાં 38 હજાર મતદારોનો સરવે કર્યો હતો. જેમાં માલૂમ પડ્યું હતું કે 44 ટકા મતદારો સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના મહાગઠબંધનનું સમર્થન કરે છે. એટલે કે પ્રિયંકાના આગમનને કારણે કૉંગ્રેસને ખાસ લાભ થયો હોય તેવું જણાતું નથી.

