મહારાષ્ટ્ર ત્રણ પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી શિવસેનાનો હશેઃએનસીપી

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના એમ ત્રણેય પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આ સરકારમાં મુખ્યમંત્રી પદ શિવસેના પાસે રહશે, તેમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું છે.

એનસીપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી તો શિવસેનાનો હશે. કેમ કે મુખ્યમંત્રીના મુદ્દા પર શિવસેના ‘મહા-ગઠબંધન’(એનડીએ સાથેના)થી અલગ થઈ છે. હવે શિવસેનાની ભાવનાનું સન્માન કરવું એ અમારી જવાબદારી છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી શિવસેના અને ભાજપ સહિતના પક્ષોએ ‘મહાગઠબંધન’ રચીને એક સાથે લડી હતી. ‘મહાગઠબંધન’ને 288 પૈકી 161 બેઠક જીતવામાં સફળતા મળી હતી. જોકે, પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરી, જે ભાજપે સ્વિકારી નહીં, જેના કારણે ભાજપ સાથેનું ગઠબંધન શિવસેનાએ ક્ષણભરમાં તોડી નાખ્યું હતું.

હવે શિવસેના વર્તમાનમાં સરકાર રચવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને કોમન મિનિમમ પ્રોગ્રામ(સીએમપી) પર કામ કરી રહી છે.ત્રણેય પાર્ટીઓ પાસે મંત્રી પદ એક સરખા હોવાની શક્યતા છે.
એનસીપીના સૂત્રોનું કહેવું છે કે, સ્થિર સરકાર બને એ જરુરી છે, એ માટે કોંગ્રેસે સરકારમાં સામેલ થવું જરુરી છે.