શ્રીનગરમાં સરકારી ક્વાર્ટરમાં શિફ્ટ થઇ મહેબૂબા મુફ્તી,દીકરીએ કરી હતી માંગણી

મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કસ્ટડી અને નજરબંધીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને શુક્રવારના રોજ સરકારી ક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મહેબૂબા મુફ્તીને અત્યાર સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારના રોજ તેમને શહેરની અંદર આવેલા સરકારી કવોટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તીજા મુફ્તીએ વધતી ઠંડીના કારણે તેમને શિફ્ટ કરવાની માંગણી કરી હતી. અધિકારીઓનું પણ કહેવું છે કે મુફ્તીને વધતી ઠંડી અને પાવર કટની ઘટનાને લઈને તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે.

મહેબૂબા મુફ્તીને જે ગેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા,ત્યાંથી શુક્રવારે તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ માટે અધિકારીઓ સવારે તેમના ઘરે પહોંચી ગયા હતા. આ કામમાં દસ્તાવેજી કાર્યવાહીના કારણે સમય વધારે વેડફાયો હતો. દસ્તાવેજી કાર્યવાહી કર્યા બાદ શુક્રવારે સાંજે શ્રીનગરના વચ્ચે આવેલા સરકારી સ્થાને શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પહેલા તે સ્થાનને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તંત્ર તરફથી તેને જેલ જાહેર કરવામાં આવી હતી. 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહને 5 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી 5 ઓગસ્ટના રોજ રાજ્યમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ નિર્ણય શાંતિ અને સલામતી માટે લેવામાં આવ્યો હતો