લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના બૂથ નંબર 46 પર ઈવીએમ ખરાબ થવાના કારણએ મતદાન અટકાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની બે લોકસભા બેઠકો શ્રીનગર અને ઉધમપુરમાં પણ આજે મતદાન ચાલુ છે. સુરક્ષા કારણોસર શ્રીનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી પાંચ જગ્યાઓ પર ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ગડબડીની ફરિયાદો સામે આવી છે. જેમાં ગેવરઈ, મજલગાંવ, કેઝ, અષ્ટી અને પરાલી સામેલ છે. જો કે આ મશીનો તરત બદલી દેવાયા છે. ત્યારબાદ મતદાન સુચારુ રીતે ચાલુ રહ્યું છે. પશ્ચિમ બંગાળના રાયગંજમાં ચૂંટણી હિંસા થઈ હોવાના અહેવાલો છે. અહીંના ચોપરાના બૂથ સંખ્યા 159 પર હોબાળો મચ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ મહિલાઓને મત આપતા રોક્યા છે. ત્યારબાદ લોકોએ હાઈવે જામ કરી નાખ્યો. પોલીસે હાઈવે ખોલાવવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યાં.
