જે લોકો દંડ ભરી રહ્યા છે તેઓ પણ નવા ટ્રાફિક નિયમોથી ખુશ છે : ગડકરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નવા ટ્રાફિક નિયમો લાગુ કરી દેવાયા બાદ આ નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ ભરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશમાં ચારેય કોર ટ્રાફિક નિયમોમાં થયેલા ફેરફારો અંગે જ ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો આ ફેરફારને વખોડી રહ્યા છે તો કેટલાક તેને વખાણી રહ્યા છે. આ દરમિયાન રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે ટ્રાફિક નિયમોમાં કરવામાં આવેલા ફેરફારના સામાન્ય જનતા વખાણ કરી રહી છે.

ગડકરીએ કહ્યું કે જે લોકો દંડ ભરવાના કારણે આ ફેરફારથી નાખુશ થયા છે તેઓ પણ આ ફેરફારનું સમર્થન તો કરી જ રહ્યા છે. દંડ વસૂલાતની વાત કરીએ તો તમારી પાસેથી ટ્રાફિક પોલીસ જે દંડ વસૂલે છે તે દંડ કેન્દ્ર સરકારે નક્કી કર્યો છે. દંડની રકમ 500થી માંડીને 5,000 સુધીની નક્કી કરવામાં આવી છે.

નવા ટ્રાફિક નિયમો વિશે કોંગ્રેસે પણ આ વિશે પોતાનો વિચાર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે તેમની પાર્ટીને ટ્રાફિકના બદલાયેલા નિયમોથી કોઈ વાંધો નથી. પરંતુ સામાન્ય જનતાને જે પ્રમાણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેનો વિરોધ જરૂર થવો જોઈએ. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.