સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. પાકિસ્તાનના રેલવે ક્રૂ અને ગાર્ડે ભારત આવવાનો ઈનકાર કરતા સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનમાં રોકી દેવામાં આવી હતી. બાદમાં ભારતે ટ્રેનના એન્જિન સાથે રેલવે ક્રૂ અને ગાર્ડ મોકલ્યા હતા. આ ટ્રેનમાં 110થી વધારે મુસાફરો હતા.
પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે ગુરુવારે આ વિશે દુખ વ્યક્ત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ એક તરફી નિર્ણય છે. પાકિસ્તાને આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ. આ દરમિયાન પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રોકી દીધી છે. પાકિસ્તાનના નિર્ણય વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટી આશંકા તો અમારા પડોશી વિશે છે. મુશ્કેલી એ છે કે, તમે મિત્ર બદલી શકો છો પરંતુ પડોશી નહીં. જેવો પડોશી આપણને મળ્યો છે, ભગવાન કરે આવો પડોશી કોઈને ના મળે.
જીઓ ન્યૂઝે પાકિસ્તાનના ઈમરાન ખાનના વિશેષ સૂચના સલાહકાર ફિરદૌસ આશિક અવાન તરફથી કહ્યું છે કે, પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પણ દર્શાવવામાં આવશે નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને ભારત સાથે તેમના દ્વીપક્ષીય સંબંધો વિશે એક તરફી કાર્યવાહીનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન આપણી સાથે રાજકીય સંબંધો ખતમ કરવા માગે છે. પાકિસ્તાને આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ જેથી રાજકીય સંબંધો સામાન્ય રહે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, કલમ 370 ખતમ થયા પછી પાકિસ્તાન તરફથી આ પ્રમાણેની નકારાત્મક પ્રતિક્રિયાની અપેક્ષા નહતી. અનુચ્છેદ 370 ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના બંધારણ પ્રમાણે, આ હંમેશા એક સંપ્રભુ મુદ્દો છે. અહીંની સ્થિતિ ભડકાવીને તે અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો તેમનો પ્રયત્ન કદી સફળ નહીં થાય. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ એવો પણ નિર્ણય લીધો છે કે, ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પરત મોકલવામાં આવે.
1976થી સમજૌતા એક્સપ્રેસ ચાલી રહી છે
શિમલા સમજૂતી પછી 1976થી સમજૌતા એક્સપ્રેસ ચાલવાની શરૂ થઈ છે. ત્યારે તે અમૃતસરથી લાહોરની વચ્ચે ચાલતી હતી. ત્યારપછી છોડા વર્ષોથી અટારીથી લાહોર સુધી ચાલે છે. હાલ હવે તે જૂની દિલ્હી રેલવે સ્ટેશનથી બુધવારે અને રવિવારે લાહોર જાય છે.
ભારતની હાલની સ્થિતિ કાશ્મીરમાં હિંસા વધારશે
પાકિસ્તાન સરકારે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતની હાલની સ્થિતિ કાશ્મીરમાં હિંસા અને ઉપદ્રવ વધારશે. ભારતનો આ નિર્ણય સામરિક રીતે સક્ષમ દેશોની વચ્ચે અસ્થિરતાનું કારણ બનશે. કાશ્મીરમાં ભારત સરકારે મોટી સંખ્યામાં સેના નિયુક્ત કરી છે અને તેનો ઉપયોગ ત્યાંની જનતા ઉપર કરવામાં આવે છે.
પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી
જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને 12 મિનિટનો સમય વધારે લાગશે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, એક પાકિસ્તાની કોરિડોરને બંધ કરવાની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. તેનાથી 12 મિનિટનો સમય વધારે લાગશે. પરંતુ તેની વધારે અસર નહીં થાય. હાલ પાકિસ્તાની એરસ્પેસથી રોજની 50 ફ્લાઈટ સંચાલિત થાય છે.
ભારતે કાશ્મીર નિર્ણયની માહિતી અમેરિકાને નથી આપી
પાકિસ્તાને બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે ભારતીય એમ્બેસેડર અજય બિસારિયાને પરત મોકલી દીધો છે. આ દરમિયાન ટ્રમ્પ સરકારે કહ્યું છે કે, ભારત સરકારે કાશ્મીર વિશે લીધેલા નિર્ણય વિશે કોઈ માહિતી આપી નથી.
એનએસસી બેઠકમાં 5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)એ કહ્યું- પાકિસ્તાન ભારતના આ નિર્ણયની નિંદા કરે છે. આ નિર્ણયથી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિથી ઉંધો પ્રભાવ પડશે. આ બેઠકમાં 5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
1. રાજકીય સંબંધોને ઓછા કરવા
2. દ્વીપક્ષીય વેપાર સંબંધો ખતમ કરવા
3. દ્વીપક્ષીય વ્યવસ્થાઓની સમીક્ષા કરવી
4. કાશ્મીર પર નિર્ણયનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર લઈ જવો
5. 14 ઓગસ્ટના દિવસને કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઉભા રહેવા માટે યાદ કરવામાં આવશે. 15 ઓગસ્ટને બ્લેક-ડે તરીકે મનાવવામાં આવશે.
એર સ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી હતી
પાકિસ્તાને આ પહેલાં પણ બાલાકોટ એરસ્ટ્રાઈક પછી 27 ફેબ્રુઆરીથી એરસ્પેસ બંધ કરી હતી. તેને 139 દિવસ પછી 18 જુલાઈએ ફરી ખોલવામાં આવી હતી. એર સ્પેસ બંધ હતી તે દરમિયાન યુરોપ અને ખાડી દેશો તરફ જતી બધી ફ્લાઈટ ગુજરાત ઉપરથી અરબ સાગર પાર કરીને જઈ રહી હતી.
ગયા મહિને વડાપ્રધાન મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાન જવાનું હતું. ત્યારે પાકિસ્તાને મોદી માટે 48 કલાક માટે તેમની એરસ્પેસ ખોલી હતી પરંતુ મોદીએ પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ નહતો કર્યો.

