કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે : અધિર રંજન

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર અંગે ફરી એક વખત નિવેદન આપ્યું છે જેના પર વિવાદ થઇ શકે છે. ચૌધરીએ કાશ્મીરની સરખામણી નાઝી કેમ્પ સાથે કરતા જણાવ્યું કે, કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે. તેમણે અમરનાથા યાત્રાને રોકવા અંગે સવાલ ઉભા કરતા જણાવ્યું કે, હજારો હિન્દુઓની યાત્રા આખરે કેમ રોકવામાં આવી છે.

કોંગ્રેસના સાંસદે કાશ્મીરની સ્થિતિ પર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, વડાપ્રધાનજી, તમે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે કાશ્મીરીઓને અમે ગોળીથી નહીં પરંતુ ભેટીને આગળ લઇ જઇશું. આજે કાશ્મીરની સ્થિતિ નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે. નતો ત્યાં મોબાઇલ કનેક્શન છે, નતો ઇન્ટરનેટ છે, ત્યાં શું થઇ રહ્યું છે, કોઇને કાંઇ ખબર નથી. અમરનાથ શ્રદ્ધાળુ યાત્રા પર જઇ શક્યા નથી.

ચૌધરીએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, કાશ્મીરમાં શું થઇ રહ્યું છે? લાખોની સંખ્યામાં આપણી સેના ત્યાં હાજર છે, પેરામિલિટરી પણ હાજર છે. મને લાગે છે ભારત જેવા શક્તિશાળી દેશ માટે આવી સ્થિતિ સારી નથી. કાશ્મીરને બધા માટે ખુલ્લું મૂકવું જોઇએ. ગુપ્ત રીત બધું કેમ થઇ રહ્યું છે. અચાનક સિક્યોરિટી એડવાઇઝરી જાહેર કરવામાં આવી રહી છે.