ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના અધિકારને નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન એક પછી એક અંધાધૂંધ નિર્ણયો દ્વારા ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યું છે. તણાવની પરિસ્થિતિમાં ભારત માટે રાહતના સમાચાર એ છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રાખશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રખાશે.’
કરતારપુર કોરિડોર પાકિસ્તાન સ્થિત દરબાર સાહિબને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી જોડશે. આ કોરિડોર મારફતે ભારતના શીખ શ્રદ્ધાળુઓના પાકિસ્તાન વીઝા વગર ફક્ત પૂર્વ પરવાનગરી દ્વારા દર્શનની મંજૂરી આપશે. શીખ ધર્મગુરૂ ગુરુનાનક દેવ દ્વારા 1522માં ગુરુદ્વારાની સ્થાપના કરવામાં આવી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રીના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ટુંકી મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે, કરતારપુર મામલે કામ ચાલુ રહેશે અને પ્રવર્તમાન સ્થિતિથી તેના પર કોઈ અસર નહીં પડે. તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન દરેક ધર્મનું સમ્માન કરે છે અને કરતાપુર કોરિડોરની કામગીરી ચાલુ રહેશે.
નવેમ્બર 2018માં ભારત અને પાકિસ્તાન કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી પહોંચવા માટે સરહદની બન્ને બાજુ કોરિડોર નિર્માણ માટે સહમત થયા હતા. ભારતીય સરહદ ભાગમાંથી આ ગુરુદ્વારા જોઈ શકાય છે અને દરરોજ હજારો દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા આવે છે. સૂત્રોના મતે પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોરનું ઝીરો લાઈનથી રોડ, પુલ અને બિલ્ડિંગ નિર્માણનું 90 ટકા કામ પૂર્ણ કરી દીધું છે.
જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદને સરકારે મુક્ત કર્યો હોવાના મીડિયાના સવાલોને ફૈઝલે ફગાવી દીધા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલો ખોટા હતા. કેટલાક એવા અહેવાલ વહેતા થયા હતા કે યુએસ દ્વારા જેના પર એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે તેવા યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરી દેવાયો છે.