વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ગુજરાતના અમરેલીના ભીખુભાઈ નામના વ્યક્તિ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને આટલું જ નહીં પરંતુ ભીખુભાઈની અદભૂત સંકલ્પશક્તિને પણ બિરદાવી હતી. ભીખુભાઈએ આ વખતે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ફરી સરકાર રચાય તે માટે એક સંકલ્પ લીધો હતો અને આ જ સંકલ્પને પૂર્ણ કરી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
અમરેલીમાં રહેતા ભીખુભાઈએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે સંકલ્પ લીધો હતો કે જો ફરીથી વડાપ્રધાન મોદી અને ભાજપ જીતશે અને 300થી વધુ બેઠકો મળશે તો તેઓ અમરેલીથી દિલ્હી સુધી સાઈકલ પર પ્રવાસ કરશે. આ જ સંકલ્પ સાથે તેમણે અમરેલીથી દિલ્હીનો 1,100 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો. જો કે તેમની આ અદભૂત સિદ્ધીને બિરદાવવામાં વડાપ્રધાન મોદીએ પણ કોઈ કચાસ છોડી નહીં. બુધવારે વડાપ્રધાન મોદીએ અમરેલીના ભીખુભાઈ સાથે મુલાકાત કરી અને વિનમ્રતાપૂર્વક તેમના જોશથી તેઓ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

