“વિધવા સહાય પેન્શન યોજના’’ હવે ‘‘ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના”ના નામે ઓળખાશે

ગુજરાત મુખ્ય સમાચાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એક જ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે.

ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી 7 હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તેની વ્યથા સમજીને નોધારાનો આધાર રાજ્ય સરકાર બની છે. અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે, માણવાનું નહીં.સરકારે પારદર્શિતા સાથે નિર્ણાયક સરકારનો અહેસાસ કરાવ્યો છે. સંવેદના સાથે પ્રજાજનોની વેદનાને વાચા આપી છે. પ્રજાની વેદના-આકાંક્ષાઓની આપુર્તિ કરવાની પ્રતિબદ્વતા તેમણે દર્શાવી હતી.

વિજય રૂપાણીએ બહેનો પ્રત્યેની ધારાસભ્યની સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, વિધવા ગંગા-સ્વરૂપ બહેનોને મદદરૂપ બનવા રાજ્ય સરકારના સેવા કાર્યમાં ધારાસભ્ય આગળ આવ્યા છે. તેમણે હળપતિ સમાજના સમુહલગ્ન કરીને કચડાયેલા સમાજની ચિંતા કરી છે.

ગરીબોની વ્યથાના નિરાકરણ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સરકારે પહેલ કરી છે. ગુજરાતની માથાદીઠ આવક બે દાયકા પહેલા 16 હજાર હતી. જે આજે પોણા બે લાખ થઇ છે. લોકોની પ્રજાહિત સવલત માટે તમામ ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબરે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાનાના ભાવથી સેવા ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ હરેક ક્ષેત્રમાં માતબર રકમ ફાળવીને સૌના વિકાસની ચિંતા કરી છે.