કોલકાતાના પોલીસ કમિશનરે CBI સમક્ષ હાજર થવું જોઇએઃ સુપ્રીમ કોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજકીય અખાડો બની ગયું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સીબીઆઇની યાચિકા પર સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ મહેતાને સીબીઆઇની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આદેશ આપ્યો છે કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઇ સામે હાજર થવું જોઇએ. જોકે આ દરમિયાન સીબીઆઇ તેમની ધરપકડ નહીં કરી શકે. અગાઉ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે રાજીવ કુમારને પૂછપરછ સામે વાંધો ન હોવો જોઇએ. સીબીઆઇ અને પશ્ચિમ બંગાળ વિવાદની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે કરી હતી. સીબીઆઇ તરફથી એટર્ની જનરલે દલીલ કરી કે આ મામલામાં એસઆઇટી તપાસ યોગ્ય રીતે થઇ નથી. એ સાથે જ સીબીઆઇએ આ મામલામાં પુરાવાઓ સાથે ચેડાં થયા હોવાની દલીલ પણ કરી હતી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મમતા બેનરજીએ તેને પોતાની નૈતિક જીત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. તેમણે કહ્યું કે આ દેશનો કોઇ બિગ બોસ ન હોઇ શકે. માત્ર લોકશાહી જ બિગ બોસ છે.