હિમાચલ પ્રદેશમાં આ સપ્તાહ દરમિયાન ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બુધવારે ભારે બરફવર્ષા થશે. પાટનગર દિલ્હીમાં સવારમાં ધુમ્મસને કારણે વિમાન વ્યવહારમાં અસર થઇ હતી. હિમાચલના કુલ્લુ, ચંબા, લાહોલ અને સ્પિત, શિમલા, કાંગરા જિલ્લાઓમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન ઠંડીની તીવ્રતા પણ વધશે. બરફવર્ષાને કારણે ઘણા રસ્તા બંધ થવાની ભીતિ રજૂ કરી હતી. દરમિયાન હિમાચલમાં ઠંડીની તીવ્રતા ઘટી હતી અને મોટા ભાગના સ્થળોના તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. પાટનગર દિલ્હીમાં લઘુતમ તાપમાન આઠ અને મહત્તમ ૨૩.૨ ડિગ્રી નોંધાયા હતા. જે આ સમયગાળા માટે સામાન્ય હતા. સવારના સમયે ભારે ધુમ્મસને કારણે ૨૭ ટ્રેન મોડી પડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી જતા કેટલીક ફ્લાઇટને અસર થઇ હતી.

