કથાકાર મોરારીબાપુના નિવેદનને લઇને સ્વામીનારાયણ સંપ્રદાયના સમગ્ર સંતો અને હરિભક્તોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે મોરારી બાપુ જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ હાલમાં મોરારીબાપુએ મૌનવ્રત લઇ લીધુ છે. જેથી સ્વામી નારાયણ સંપ્રદાયમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર મોરારીબાપુના નિવેદનથી સ્વામી નારાયણ સંપ્રદાયને અનુસરતા હજારો સંતો અને લાખો ભક્તોની આસ્થા પર કુઠારાઘાત થયો છે. જેથી સ્વામી નારાયણ સંપ્રદાય મોરારી બાપુ સમક્ષ ભગવાન સ્વામીનારાયણની જાહેરમાં માફીની માંગ કરી રહ્યા છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવા મુજબ મોરારીબાપુએ ભગવાન સ્વામીનારાયણનું અપમાન કરવાની હલકી મનોવૃતિ પ્રદર્શીત કરી છે. આ સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોએ મોરારી બાપુ પર વાક પ્રહાર કરીને આક્ષેપો પણ કર્યા છેકે મોરારીબાપુએ સનાતન હિંદુ ધર્મ, ભગવાન સ્વામીનારાયણનું દિવ્ય જીવ અને સ્વામીનારાયણ સંપ્રદાયની ભવ્ય અને મહાન પરંપરાનું અપમાન કર્યુ છે.
આ સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારીબાપુને નિલકંઠ વર્ણી કોણ હતા તે વાત પણ જણાવી છે. જેમાં સંપ્રદાયે મોરારી બાપુને અજ્ઞાન કહીને નિલકંઠ વર્ણીની ઓળખ પણ આપી છે. જેમાં તેઓએ કહ્યું કે ભગવાન સ્વામીનારાયણનું કિશોર સ્વરૂપ છે નિલકંઠ વર્ણી. નિલકંઠ વર્ણીએ 7 વર્ષથી વધુ સમય ભારતભરમાં પદયાત્રા કરી હતી.તેમના વિચરણ દરમિયાન લોકોએ પ્રેમથી તેઓને નિલકંઠ તરીકે સંબોધ્યા હતા. આ સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના લાખો સંતો અને હરિભક્તો તેમને અભિષેક પણ કરે છે. આમ મોરારીબાપુના કથને હાલમાં તો સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયને લાલઘૂમ કરી દીધો છે. ત્યારે હવે આ મામલે મોરારીબાપુ તેમના મૌનને ક્યારે તોડે છે તેના પર સમગ્ર સંપ્રદાયની નજર છે.

