હાઇકોર્ટનો સરકારને આદેશ- મરી ગયેલા ચારેય આરોપીઓનું દિલ્હી એમ્સના મેડિકલ બોર્ડ દ્વારા ફરી PM કરાવો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તેલંગાણા હાઇકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપીઓનું ફરી પોસ્ટમોર્ટમ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે શનિવારે કહ્યું કે રાજ્ય સરકાર તેના માટે દિલ્હી એમ્સને એક મેડિકલ બોર્ડ બનાવવાની અપીલ કરે જેમાં ત્રણ ફોરેન્સિક એક્સપર્ટ્સ સામેલ હોય. આ પહેલા સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તપાસ માટે એક આયોગનું ગઠન કરીને મૃતદેહોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.

આરોપીઓએ શમશાબાદ વિસ્તારમાં એક વેટરનરી ડોક્ટર સાથે હેવાનિયત આચરીને તેને સળગાવી નાખી હતી. ત્યારબાદ સાઇબરાબાદ પોલીસ તપાસના સિલસિલામાં 6 ડિસેમ્બરે આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઇ હતી. ત્યારે આરોપી મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુએ જવાનોના હથિયાર છિનવીને ભાગવાની કોશિષ કરી અને એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. તેલંગાણા હાઇકોર્ટે એન્કાઉન્ટરનું સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે આરોપીઓનું પોસ્ટમોર્ટમ કરીને વીડીયોગ્રાફી કરાવવામાં આવશે. ત્યારે કોર્ટે તેના વીડિયો મુખ્ય જિલ્લા જજને સોંપવાના નિર્દેશ આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે તપાસ માટે આયોગ બનાવ્યું
7 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ FIR, તપાસ અને કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ માટે પૂર્વ જજ વી.એસ.સિરપુરકરની અધ્યક્ષતામાં એક ત્રણ સભ્યોનું આયોગ ગઠિત કર્યું જે 6 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું કે લોકોને એન્કાઉન્ટરની સચ્ચાઇ જાણવાનો હક છે. અમારા આગામી આદેશ સુધી કોઇ કોર્ટ અથવા ઓથોરિટી આ મામલામાં તપાસ નહીં કરે. કોર્ટે આગામી આદેશ સુધી આરોપીઓના મૃતદેહ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.

માનવાધિકાર આયોગે પણ સંજ્ઞાન લીધું હતું
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગેની એક ટીમ 7 ડિસેમ્બરે એન્કાઉન્ટરની તપાસ કરવા માટે હૈદરાબાદ પહોંચી હતી. બે સભ્યોની આ ટીમે શાદનગરના ચટનપલ્લીમાં એન્કાઉન્ટર સ્થળ પર પહોંચીને ઓન સ્પોટ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. ઘટનામાં સામેલ પોલીસ કર્મચારીઓના નિવેદન લીધા હતા અને સરકારી હોસ્પિટલમાંથી માર્યા ગયેલા આરોપીઓની ઓટોપ્સીની વિગતો એકઠી કરી હતી.

પોલીસનો દાવો- રિક્રિએશન દરમિયાન આરોપી ઠાર થયા
આરોપીઓ 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડીમાં હતા. 6 ડિસેમ્બરે સાઇબરાબાદ પોલીસ તેમને રિમાન્ડ પર લઇને તપાસ માટે ઘટનાસ્થળે લઇ ગઇ હતી. એન્કાઉન્ટર બાદ પોલીસ કમિશ્નર વી.સી. સજ્નારે જણાવ્યું કે ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન આરોપીઓએ હથિયાર છિનવીને ભાગવાની કોશિષ કરી હતી. પોલીસ દ્વારા આત્મરક્ષામાં કરવામાં આવેલી ફાયરિંગમાં ચારેય આરોપીઓ ઠાર મરાયા હતા. આ એન્કાઉન્ટર એ જગ્યાએ જ થયું જ્યાં આરોપીઓએ ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી.