25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેક ખાતે કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. કાંકરિયાનું આકર્ષણ એવી તમામ રાઈડ્સ હાલમાં બંધ હાલતમાં છે જે કાંકરિયા કાર્નિવલ પહેલા શરૂ થઈ જશે. કાંકરિયાની મિની ટ્રેન અટલ એક્સપ્રેસ, બલૂન અને એમ્યુઝમેન્ટ પાર્ક 24 ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. કાંકરિયા ઝુના ડાયરેકટર આર.કે. સાહુએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાઈડ્સના તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા રાઈડ્સ ચાલુ કરવા માટે અરજી કરી છે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ અને પોલીસના લાયસન્સ કોન્ટ્રાક્ટરોને મળી જશે અને તેઓ અમને આપશે એટલે રાઈડ્સ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.
એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટતા ત્રણ લોકોના મોત થયા હતા
ગત જુલાઈ માસમાં કાંકરિયામાં આવેલા એક એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કાંકરિયામાં ચાલતી તમામ રાઈડ્સને બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. આગામી 25થી 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે ત્યારે આ તમામ રાઈડ્સને ફરી શરૂ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જેના માટે રાઈડ્સના કોન્ટ્રાક્ટરોએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ,PWD અને પોલીસમાં ફરી લાયસન્સ મેળવવા અરજીઓ કરી દીધી છે.
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા
સ્પે. બ્રાન્ચના એસીપી આઈ.જે. પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરિયામાં આવેલી મીની ટ્રેન અટલ એક્સપ્રેસ, બલૂન અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની રાઈડ્સ માટેની 4 અરજીઓ આવેલી છે જેના માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા છે. અટલ એક્સપ્રેસ અને બલૂનનો અભિપ્રાય મળી ગયો છે. જેને લાયસન્સ આગામી દિવસમાં આપવામાં આવશે.

